સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસમાં પૈસા લઈને ટિકિટ ના આપવાનું કૌભાંડ દિવસેને દિવસે વધી રહ્યું છે. અનેક ફરિયાદ છતાં પણ સિટી બસના કંડકટર લોકો પાસે પૈસા લઈને ટિકિટ આપતા ન હોવાથી મહાનગરપાલિકા અને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. પાલિકાને થતું આર્થિક નુકસાન રોકવામાં ભાજપ કરતાં કોંગ્રેસના કોર્પોરેટરો વધુ જાગૃત હોવાનું બહાર આવી રહ્યું છે. કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા કરવામાં આવેલા ચેકિંગમાં કંડક્ટરને પગાર ઓછો હોવાથી પૈસા લઈને ટિકિટ ન આપવાનું કબૂલ્યું હતું.
સુરત મહાનગરપાલિકા સંચાલિત સીટી બસમાં પૈસા લઈને ટિકિટ ના આપવાનું કૌભાંડ લાંબા સમયથી ચાલી રહ્યું છે. આ અંગેની ફરિયાદ થતાં મહાનગરપાલિકાના વિભાગ દ્વારા ચકાસણી થતા અત્યાર સુધીમાં 121 જેટલા કંડકટરને રંગેહાથ પકડી ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. મહાનગરપાલિકા દ્વારા પગલાં ભર્યા હોવા છતાં પણ સિટી બસના કંડકટર પેસેન્જરો પાસેથી પૈસા લઇને ટિકિટ ન આપતા હોવાની ફરિયાદ હજી પણ થઈ રહી છે. મહાનગરપાલિકાના વરાછા ઝોનના એક રૂટ પર કોંગ્રેસના કોર્પોરેટરો દિનેશ કાછડીયાએ મુસાફરી કરીને રિયાલિટી ચેક કર્યું હતું. સીટી બસમાં એક રૂટ પર મુસાફરી કરી હતી. જેમાં મોટાભાગના પેસેન્જરો પાસેથી કંડકટર પૈસા લઈ લેતો હતો પણ ટિકિટ આપતો ન હતો.
કોંગ્રેસના કોર્પોરેટર કાછડીયાએ મુસાફર અને કંડકટર ડ્રાઈવર નો વિડીયો ઉતાર્યો હતો. જેમાં સંખ્યાબંધ મુસાફરોએ પૈસા આપ્યા છે પરંતુ કન્ડકટરે ટીકીટ નથી આપી તેવું કહ્યું હતું. આ અંગે કંડકટરને પૂછતાં તેણે કહ્યું હતું કે સાહેબ અમારો પગાર વધારી આપો એટલે તમે દરેકને ટિકિટ આપીશું. કોર્પોરેટર દ્વારા ઉતારવામાં આવેલા વીડિયોમાં કંડકટર પગાર ઓછો હોવા સાથે નિયમિત ન મળતો હોવાની પણ ફરિયાદ કરી રહ્યો છે. પગાર ઓછો અને નિયમિત ન મળતો હોવાથી કંડકટર પેસેન્જરો પાસેથી પૈસા વસુલે ટિકિટ ન આપતા હોવાનું ખુલ્લેઆમ કહેવામાં આવી રહ્યું છે.
કંડકટરની આવી કબૂલાત ના કારણે કંડકટરનું શોષણ ઓપરેટરો દ્વારા કરવામાં આવતા હોવાની પણ ફરિયાદ બહાર આવી છે. કન્ડકટરોની હરકતને કારણે મહાનગરપાલિકાને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. મહાનગરપાલિકા ઓપરેટરને દંડ કરે છે. મહાનગરપાલિકાને મોટું આર્થિક નુકસાન થતું હોવા છતાં શાસક પક્ષના કોર્પોરેટરોને ચૂપ છે, પરંતુ વિપક્ષના કોર્પોરેશન દ્વારા પાલિકાને થતું આર્થિક નુકશાન રોકવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે જે લોકોમાં ચર્ચાનો વિષય છે.