વરાછા સુમુલ ડેરી રોડ પર આવેલા બડા ગણેશ મંદિરના પાથરણાવાળી મહિલાઓએ આજે મોરચો કાઢ્યો હતો. સેંકડો મહિલાઓ રસ્તા પર આવી ગઈ હતી અને ધંધો નહી કરવા દેનારા મહિલા કોર્પોરેટર તથા સ્થાનિક આગેવાન અંગે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.
મહિલાઓએ જણાવ્યું કે પાછલા ચારથી પાંચ મહિનાથી બડા ગણેશ મંદિર ખાતે ધંધો કરવા દેવામાં આવતો નથી. અહીં 400-500 જેટલી ગરીબ અને રોજનું કમાઈને ખાનારી મહિલાઓ કટલરી અને અન્ય ચીજ વસ્તુઓ વેચવા આવે છે. નાના-નાના બાળકો સાથે ઘરનું ગુજરાન ચલાવવા ધંધો કરવા આવીએ છીએ. બડા ગણેશ મંદિર ખાતે દર મંગળવારે મેળા જેવું વાતાવરણ હોય છે.
તેમણે કહ્યું કે સ્થાનિક કોર્પોરેટર અને કેટલાકા લોકો મહિલાઓને ધંધો કરવા દેવા માંગતા નથી. ધંધો કરવા બેઠાં હોય ત્યાં પાણી નાંખી દેવામાં આવે છે. પોલીસને બોલાવી લેવામાં આવે છે અને પોલીસ દંડો ફટકારી બધાને ઉઠાડી દે છે. અઠવાડિયા દરમિયાન એક જ દિવસ ધંધો આવતા હોવા છતાં આવી રીતે હેરાનગતિ કરવામાં આવે છે. બાકીના દિવસોમાં ફેરી કરીને ધંધો કરીએ છીએ.
મહિલાઓનું કહેવું છે કે ધંધો કરવા દેવા અંગે સતત રજૂઆત કરવામાં આવી છે પરંતુ અમારી ફરીયાદ પર કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. ઉલ્ટાનું હવે જ્યાં બેસતા હતા ત્યાંથી પણ ભગાડી દેવામાં આવી રહ્યા છે.
તેમણે વધુમાં કહ્યું કે સરદાર નગર ખાતે સિનિયર સિટીઝન કલબ ચલાવતા સંચાલક દ્વારા અરજીઓ કરવામાં આવતા ગરીબ પરિવારોની રોજી રોટી છિનવાઈ જવા પામી છે. અઠવાડિયામાં એક દિવસ ભરાતા બજારથી તેમને કોઈ પણ પ્રકારની તકલીફ થતી નથી. ટ્રાફિકની કોઈ સમસ્યા ઉભી થતી નથી.
બડા ગણેશ મંદિર ખાતે પાથરણા પાથરી ધંધો કરી રોજી રોટી મેળવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી મહિલાઓની ફરીયાદનું નિરાકરણ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં બડા ગણેશ મંદિર ખાતે પાથરણાવાળી મહિલાઓ આંદોલન કરવાની તૈયારી કરી રહી છે.