વરાછામાં હીરાના કારખાનામાં કામ કરતા 25 વર્ષીય રત્નકલાકારને સાથે કામ કરતો 29 વર્ષીય યુવાન ગત રવિવારે બપોરે બળજબરીથી કારખાનાના છઠ્ઠા માળે લઇ ગયો હતો અને ધાકધમકી આપી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. ભોગ બનનાર રત્નકલાકારને દુખાવો થતાં તેણે અન્ય રત્નકલાકારોને વાત કરતા ઘટના પ્રકાશમાં આવી હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ સૌરાષ્ટ્રનો વતની અને વરાછા વિસ્તારમાં રહેતો 25 વર્ષીય યુવાન વરાછા ખાતે આવેલા હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે નોકરી કરે છે. રવિવારે બપોરે એક વાગ્યાના અરસામાં તેની સાથે રત્નકલાકાર તરીકે નોકરી કરતો મુકેશ સાવંતરામ ગુર્જર (ઉ.વ.29, રહે. હરીનંદન સોસાયટી,મિલેનિયમ ડાયમંડના બીજા માળે, હીરાબાગ સર્કલ પાસે, કાપોદ્રા, સુરત. મૂળ રહે. રાજસ્થાન) તેને બળજબરીથી કારખાનાના છઠ્ઠા માળે લઇ ગયો હતો અને ધાકધમકી આપી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. મુકેશે ધમકી આપતા યુવાને તે સમયે કોઇને વાત કરી ન હતી. જોકે, ગતરોજ તેને દુઃખાવો થતાં તેણે અન્ય રત્નકલાકારોને ઘટનાની જાણ કરી હતી.
અન્ય રત્નકલાકારોએ આ અંગે કારખાનાના મેનેજરને વાત કરતાં તેમણે વરાછા પોલીસને જાણ કરી હતી. વરાછા પોલીસે ભોગ બનનાર યુવાનની ફરિયાદના આધારે મુકેશ વિરુદ્ધ ગુનો નોંધી તેની મોડીરાત્રે ધરપકડ કરી હતી. વધુ તપાસ પીએસઆઈ એ.જી સોલંકી કરી રહ્યા છે.