રાજ્યમાં દારૂબંધી વચ્ચે શહેરના ગોડાદરા વિસ્તારમાં દારૂ મંગાવવા બાબતે મિત્રો વચ્ચે થયેલા ઝઘડાની અદાવતમાં ચાર મિત્રોએ ચપ્પુ વડે હુમલો કરી બે મિત્રોને હાથ-પગ, માથા અને પીઠમાં ઉપરાછાપરી ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કરતા સ્થાનિક વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી. દારૂબંધી વચ્ચે પોલીસની રહેમનજર હેઠળ ચાલતા દારૂના અડ્ડા દારૂડીયાઓ માટે કયારેક જીવલેણ સાબિત થઇ રહ્યા છે. આવી જ એક ઘટના ગોડાદરા વિસ્તારમાં બનવા પામી છે.
લીંબાયત-ગોડાદરાની પ્રિયંકા સોસાયટીમાં રહેતો અને હાલ બેકાર નવીન ઉર્ફે બંટી યોગેન્દ્રસીંગ ચૌબે (ઉ.વ. 26) અને તેના બે મિત્રો સન્ની અને રવિ સાથે ઘર પાસે બેઠા હતા ત્યારે દારૂ મંગાવવા બાબતે તેઓના જ મિત્ર રાહુલ ઉર્ફે જોન જીતુ પટેલ (રહે. વૃંદાવન પાર્ક સોસાયટી, આસપાસ, ગોડાદરા ) અને દિપેશ ઉર્ફે અક્ષય ઉર્ફે માયકલ માધવસિંહ ચૌહાણ (રહે. સ્વામીનારાયાણ સોસાયટી, ગોડાદરા) સાથે ઝઘડો થયો હતો.
આ ઝઘડાની અદાવતમાં રાહુલ અને દિપેશ ઉપરાંત તેના અન્ય બે મિત્ર નિતેશ ઘનસુખ રાઠોડ (રહે. સુમન સંકલ્પ એપાર્ટમેન્ટ, પરવટ ગામ) અને યોગેશ ઉર્ફે ટકલે સુરેશ મોટીકર (રહે. જયલક્ષ્મી સોસાયટી, ગોડાદરા) સાથે મોપેડ પર ગોડાદરા મેઇન રોડ ગાયત્રી નગરમાં આવેલી ન્યુ મામાદેવ કરિયાણા સ્ટોર્સ પર ઘસી ગયા હતા. જયાં નવીન અને તેના મિત્ર સન્ની અને રવિ સિગારેટ પી રહ્યા હતા તેમની પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જેમાં નવીનને માથા, ગાલ, બંન્ને પગ, પીઠ અને સન્નીને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી.
ઘટનાને પગલે લોકોનું ટોળું એકત્ર થઇ જતા ચારેય હુમલાખોર ભાગી ગયા હતા. ઇજાગ્રસ્ત બંન્ને મિત્રોને રવિ અને એકત્ર થયેલા લોકોએ સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા. ઘટના અંગે લીંબાયત પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ચારેય હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે.