સુરતના કાપડબજારમાં છેતરપીંડીની 2 ઘટનામાં 15.77 લાખની ઠગાઈની ફરિયાદ સલાબતપુરા અને વરાછા પોલીસ મથકમાં નોંધાઈ છે. રાધાકૃષ્ણ માર્કેટ સ્થિત કાપડની પેઢીમાંથી 7.78 લાખનું કાપડ ખરીદી ચાર વેપારીએ પેમેન્ટ કર્યું ન હતું જ્યારે એમ્બ્રોઇડરી મટીરીયલનો 9.77 લાખનો માલ ખરીદી વરાછાનો વેપારી દુકાન બંધ કરી ફરાર થઇ ગયો હતો. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના રાંદેર રામનગર સુંદરી ભવનના બીજા માળે ફ્લેટ નં.3 માં રહેતા 30 વર્ષીય ઘનશ્યામભાઈ મુરલીધર શહેરી રીંગરોડ રાધાકૃષ્ણ ટેક્ષ્ટાઈલ માર્કેટમાં આવેલી કાપડની પેઢી કેવટ ક્રિએશન પ્રા.લિ. માં મેનેજર તરીકે નોકરી કરે છે.
વર્ષ 2015માં દલાલ કિશોર એલ ઠક્કર મારફતે મધ્યપ્રદેશના જબલપુરના ક્મનીયા ગેટ સ્થિત અલ્કા હેન્ડલુમના અમ્રીલાલ જૈન અને જબલપુરના જ બલદારપુર સ્થિત હેન્ડલુમ હાઉસના સુરેન્દ્રકુમાર જૈને તેમજ વર્ષ 2017-18માં માર્કેટમાંથી માહિતી મેળવી ગોવા મડગાંવનાબાબુ હાઈ કલેક્શનના ઈરાનભાઈ તેમજ તમિલનાડુના કરૂરના રીજન્ટ ટ્રેડર્સના દામોદરભાઈએ કુલ રૂ.7,78166નું કાપડ ખરીદી સમયસર પેમેન્ટ ચુકવવાનો વાયદો તો કર્યો હતો પરંતુ ચેકો રીટર્ન કરાવી આજદિન સુધી પેમેન્ટ નહીં કરી તેમજ ઉઘરાણી કરતાં થાય તે કરી લેવાની ધમકી આપી હતી. છેવટે ઘનશ્યામભાઈએ ગતરોજ તમામ વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી. અન્ય બનાવમાં મૂળ મહેસાણાના વતની અને સુરતમાં અલથાણ ભીમરાડ કેનાલ રોડ સુંગલ હિલ્સ સી/502માં રહેતા 34 વર્ષીય રાકેશભાઈ ચતુરભાઈ પટેલ પાંડેસરા બમરોલી રોડ એસ.કે.ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી-2 માં જય અંબે ટ્રેડર્સના નામે એમ્બ્રોઇડરી મટીરીયલ્સનો વેપાર કરે છે.
સાત માસ અગાઉ અશ્વનીકુમાર રોડ શ્રીનાથદ્વારા કોમ્પલેક્ષ ખાતે સુહાની એન્ટરપ્રાઇઝના નામે દુકાન ધરાવતાં રમેશભાઈ મનજીભાઈ અંગાને રાકેશભાઈને પોતાની દુકાને બોલાવી એમ્બ્રોઇડરી મટીરીયલ્સનો વેપાર કરવા માંગતા હોય માલ આપશો તો પેમેન્ટ એક માસમાં જ નિયમિત આપવાની વાત કરતાં રાકેશભાઈએ તેમને રૂ.4 લાખનો માલ મોકલ્યો હતો. જેનું પેમેન્ટ તેમણે સમયસર કર્યું હતું. પરંતુ ત્યાર બાદ 29 જુલાઈથી 2 ઓક્ટોબર દરમિયાન મોકલેલા રૂ.9,77,324ના માલની જયારે રાકેશભાઈએ ઉઘરાણી કરી ત્યારે રમેશભાઈએ પેમેન્ટની માંગણી કરશો તો જાનથી મારી નાખીશ અને ખોટા કેસમાં ફસાવી દઈશ તેવી ધમકી આપી હતી. 15 દિવસ અગાઉ રમેશભાઈ દુકાન બંધ કરી ભાગી છુટતાં છેવટે રાકેશભાઈએ ગતરોજ તેમના વિરુદ્ધ વરાછા પોલીસ મથકમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી.