ન જાણ્યું જાનકી નાથે, કાલ શું થવાનું છે એ કહેવતને વાસ્તવિક જીવનમાં અનેક રીતે વણી લેવામાં આવે છે. આવી જ રીતની ઘટના સુરતના સરથાણા વિસ્તારમાં બની હતી. કન્સ્ટ્રક્શન સાઈટ નજીકથી પસાર થઈ રહેલા યુવાન પર અચાનક સળિયો પડતા તે બેભાન થઈ હતો.
વિગતો મુજબ 17મી જાન્યુઆરીના રોજ સરથાણા રોડ પર રહેતો જગદીશસિંગ રાજપૂત સરથાણા ખાતે ચાલી રહેલા બાંધકામ નજીકથી મિત્રોની સાથે જઈ રહ્યો હતો. બે મિત્રો આગળ ચાલી રહ્યા હતા અને જગદીશ દોડતો-દોડતો બન્ને મિત્રોની વચ્ચે વાતચીત કરતા ચાલવા લાગ્યો હતો.
ત્રણેય મિત્રો ચાલતા-ચાલતા કન્સ્ટ્રક્શન સાઈટ પાસેથી પસાર થઈ રહ્યા ત્યાં તો વચ્ચે ચાલી રહેલા જગદીશના માથા પર સળિયો વાગ્યો હતો. જગદીશન તાત્કાલિક બેભાન થઈ ગયો હતો. તેને સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ચાર દિવસ સુધી જીવન-મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહેલા જગદીશે આજે બપોરે અંતિમ શ્વાસ લીધા હતા
આ આખીય ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં પણ સળિયો ધબાંગ કરીને જગદીશના માથે વાગતો હોવાનું દેખાય છે. મહત્વની વાત એ છે કે સરથાણા પોલીસે માત્ર અકસ્માત મોતનો ગુનો નોંધી ઘટનાનું પડીકું વાળી દીધું હોવાની હાલ લાગી રહ્યું છે.