દશેરાના તહેવારને ધ્યાને લઈ ફરસાણની દુકાનોમાં રાજ્યના ઘણાં શહેરોમાં દરોડાની કાર્યવાહી સાથે મહાનગર પાલિકાના આરોગ્ય ખાતા હસ્તકની ફૂડ વિભાગની ટીમે ચેકિંગ હાથ ધર્યું છે. શહેરના કતારગામ, ઉધના-મગદલ્લા રોડ, અડાજણ, પાલનપુર પાટીયા, પુણા સીમાડા, એ.કે.રોડ, નવસારી બજાર, બમરોલી વિસ્તારના ફરસાણવાળાને ત્યાંથી ફાફડા, જલેબી, પાપડીના 12 નમૂનાઓ લીધા છે અને રિંગરોડ આંબેડકર સેન્ટરની પબ્લિક ફૂડ લેબ ખાતે મોકલવામાં આવ્યાં છે. તેના રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે.
ફરસાણની આ દુકાનોથી નમૂના લેવાયા:
1- ન્યુ ગાયત્રી ફરસાણ એન્ડ સ્વીટ માર્ટ, કતારગામ આશિર્વાદ કોમ્પલેક્ષ
2- ગાયત્રી ફરસાણ એન્ડ સ્વીટ, ઉધના-મગદલ્લા રોડ
3- શિવ ખમણ એન્ડ ફરસાણ હાઉસ, અડાજણ, પ્રગતિનગર
4- ગોપી ફરસાણ, પાલનપુર પાટીયા, દુકાન નંબર-2, પુનિત શોપીંગ સેન્ટર
5- ગોકુલ ફરસાણ માર્ટ, પુણા સિમાડા રોડ નીલમ સોસાયટી
6- ભવાની ફરસાણ માર્ટ, એ.કે.રોડ મોદી મોહોલ્લો આરાધના એપાર્ટ.
7- શ્રીનાથજી સ્વીટ એન્ડ ફરસાણ, નવસારી બજાર મેઈન રોડ
8- પ્રમુખ ફરસાણ, બમરોલી રોડ
40 કિલો અખાદ્ય ફરસાણનો નાશ કરાયો
ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ ડો.આશિષ નાયકના માર્ગદર્શન હેઠળ ફૂડ ખાતાના ચીફ ફૂડ ઈન્સ્પેક્ટર જગદીશ સાળૂંકે, સિનિયર ફૂડ ઈન્સ્પે. ડી.કે.પટેલની ટીમે ગત શનિવારે વરાછા વિસ્તારના ફરસાણની દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં, જલેબી, પાપડી, ફાફડા સહિતના ફરસાણ ઉતરતી કક્ષાના જણાતા અખાદ્ય પદાર્થોનો કુલ 40 કિલોના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હોવાનું સિનિયર ફૂડ ઈન્સ્પેક્ટર ડી.કે.પટેલે જણાવ્યું હતું.