સુરત ડીંડોલી વિસ્તાર માં અંબિકા ટાઉનશીપના ગેટ પાસે રેતીમાં ફસાયેલા ટેમ્પોમાંથી ડીંડોલીની મહિલા બુટલેગરે મંગાવેલો રૂ.9.96 લાખનો દારૂ યાર્નના કાર્ટુનની આડમાં લાવતા બે ને ઝડપી પાડી કુલ રૂ.25.63 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલે મહિલા બુટલેગર શોભા પાટીલ, દમણથી દારૂ ભરેલો ટેમ્પો સુરત લાવનાર, તેનું પાયલોટીંગ કરતા બે અને દારૂ મોકલનાર મળી કુલ પાંચ વ્યકિતને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
સુરત પોલીસ દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલે મળેલી બાતમીના આધારે રવિવારે બપોરે દેલાડવા ત્રણ રસ્તા પાસેથી મોપેડ પર પાયલોટીંગ કરી બે યુવાન લઈ જતા એક ટેમ્પો( નં.જીજે-15-ટી-7927 ) નો પીછો કર્યો હતો.
પાયલોટીંગ કરનારાઓએ ઈશારો કરતા ટેમ્પો ચાલકે ટેમ્પો ડીંડોલી અંબિકા ટાઉનશીપના ગેટ પાસે અટકાવ્યો ત્યારે ત્યાં રેતીમાં ફસાઈ ગયો હતો. ચાલક અને હેલ્પરે રેતીમાંથી ટેમ્પો કાઢવા પ્રયાસ કર્યો હતો પણ નહીં નીકળતા અને મોપેડ સવાર બંને ચાલ્યા ગયા હોય ત્યાં અડધો કલાક સુધી ઉભા રહ્યા બાદ ઉતરીને બંને પાનની દુકાને પહોંચ્યા ત્યારે જ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ચાલક મયુર સુનિલ પાટીલ ( ઉ.વ.24, રહે.ડોલ્ફીન બારવાળા બિલ્ડીંગની સામે, તળાવ ફળિયું, દાભેલ, દમણ ) અને હેલ્પર ઉમેશ શંભાજી પાટીલ ( ઉ.વ.31, રહે.50/બી, શિવાજીનગર, લીંબાયત, સુરત ) ને ઝડપી લીધા હતા.
પોલીસે બંનેને સાથે રાખી ટેમ્પોની જડતી લેતા તેમાંથી રૂ.11.59 લાખની મત્તાના યાર્નના 21 કાર્ટુનની સાથે મુકેલા 70 બોક્ષમાંથી રૂ.9,95,600 ની મત્તાની દારૂની 7487 બોટલ મળી હતી.સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દારૂ ઉપરાંત યાર્નનો જથ્થો તેમજ ટેમ્પો, બે મોબાઈલ ફોન મળી કુલ રૂ.25,62,567 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બંનેની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે સુરતના ડિંડોલી મહાદેવનગરમાં રહેતી શોભા દિલીપ પાટીલે દારૂ મંગાવતા દમણના બંટીએ દારૂ ભરેલો ટેમ્પો ચાલક શંકર સાથે સુરત મોકલતા તે ખરવાસા મંદિર પાસે આવ્યો હતો.ત્યાં બંટીની સૂચના મુજબ મયુર ડ્રાઇવર સીટ પર બેસી ગયો હતો અને શંકર સાથે બેસ્યા બાદ મધુરમ સર્કલ પાસે ઉતરી ગયો હતો.ત્યાં મોપેડ પર આવેલા દિનેશે હેલ્પર ઉમેશ પાટીલને ટેમ્પોમાં બેસાડી દીધો હતો અને દિનેશ તેમજ અન્ય તેને રસ્તો બતાવતા લઈ જતા હતા ત્યારે ઝડપાયા હતા.