પુણા ઇન્ટરસીટી નજીક પેટ્રોલ પંપ સામેથી વ્હેલી સવારે એકટીવા પર પસાર થઇ રહેલા શાકભાજી વ્યાપારી અને ભાઠેના બ્રિજ અને ખ્વાજા નગર ખાડી બ્રિજ તથા ઉધના વિસ્તારમાં પતિ સાથે મોટરસાઇકલ પર જઇ રહેલી ચાર ગૃહિણીને નિશાન બનાવી મોટરસાઇકલ સવાર સ્નેચરો કુલ રૂા. 1.85 લાખ મત્તાની ત્રણ સોનાની ચેઇન આંચકીને ભાગી ગયા હતા. પુણાગામ ભૈયાનગર વિસ્તારમાં શાકભાજીનો ધંધો કરતા હરેશ કાંતીલાલ કણવાલા (રહે. વિષ્ણુ નગર, પુણા) રાબેતા મુજબ ગત રોજ વ્હેલી સવારના સવા ચાર વાગ્યાના અરસામાં એકટીવા મોપેડ પર સરદાર માર્કેટમાં શાકભાજી લેવા જઇ રહ્યા હતા ત્યારે પુણા મેઇન રોડ ઇન્ટરસીટી નજીક ભારત પેટ્રોલ પંપ નજીક પાછળથી મોટરસાઇકલ પર ઘસી આવેલા બે સ્નેચરોએ પૈકી પાછળ બેસેલા યુવાને હરેશભાઇના ગળામાંથી રૂા. 45 હજાર કિંમતની સોનાની ચેઇન આંચકી મોટરસાઇકલ પુર ઝડપે હંકારીને ભાગી ગયા હતા.
ચેઇન સ્નેચીંગની બીજી ઘટનામાં ઇલાબેન પંકજ કડીયા (રહે. સ્વસ્તિક એપાર્ટમેન્ટ, પિયુષ પોઇન્ટ, પાંડેસરા) ગત રોજ પતિ સાથે મોટરસાઇકલ પર ઘરેથી પરવટ પાટિયા જવા નીકળ્યા હતા. તે દરમ્યાનમાં ભાઠેના બ્રિજ પરથી પસાર થતા હતા ત્યારે મોટરસાઇકલ પર ઘસી આવેલા બે સ્નેચરોએ ઇલાબેનના ગળામાંથી સોનાની રૂ. 45 હજાર મત્તાની ચેઇન આંચકીને ભાગી ગયા હતા.
જયારે ત્રીજી ઘટનામાં ડુંભાલ પરવટ પાટિયા વિસ્તારના ગોકુલમ એપાર્ટમેન્ટમાં રહેતા સુનીતાબેન પરેશ યાદવ ગત રોજ પતિ પરેશ અને સંતાનો સાથે રોકડીયા હનુમાન નજીક જલારામ ખીચડીમાં જમવા ગયા હતા. હોટલમાં જમી પતિ અને બે સંતાનો સાથે મોટરસાઇકલ પર પરત ઘરે જઇ રહ્યા હતા ત્યારે ખ્વાજા નગર ખાડી બ્રિજ પરથી પસાર થતા હતા ત્યારે મોટરસાઇકલ સવાર સ્નેચરોએ સુનીતાબેનના ગળામાંથી રૂ. 40 હજારની મત્તાની સોનાની ચેઇન આંચકીને ભાગી ગયા હતા.
ચેઇન સ્નેચીંગની ચોથી ઘટમાં સાવિત્રીબેન સુરેશ કાપડીયા (રહે. ક્રિષ્ણા એપાર્ટમેન્ટ, હરિનગર-3ની પાછળ, ઉધના) પતિ સાથે ઉધના છત્રપતિ શિવાજી સર્કલ પાસેથી મોટરસાઇકલ પર પસાર થઇ રહ્યા હતા ત્યારે પલ્સર મોટરસાઇકલ પર ઘસી આવેલા સ્નેચરોએ રૂા. 24 હજાર કિંમતની સોનાની ચેઇન આંચકીને ભાગી ગયા હતા.
પાંચમી ઘટનામાં ભુમિકા રિતેશ રાણા (રહે. ઉષાનગર, ભાઠેના) રોકડીયા હનુમાન મંદિર પાસેથી પતિ અને બે સંતાનો સાથે મોટરસાઇકલ પર જતા હતા ત્યારે મોટરસાઇકલ પર ઘસી આવેલા સ્નેચરોએ તેણીના ગળામાંથી પેન્ડલ સહિત સોનાની ચેઇન કિંમત રૂા. 31 હજાર મત્તાની આંચકીને ભાગી ગયા હતા.