સુરતના રીંગરોડ સ્થિત શ્યામ માર્કેટમાં દુકાન ધરાવતાં વેપારી પાસેથી રૂ.16.80 લાખનું બુરખાનું કાપડ ખરીદી હૈદરાબાદનો વેપારી પેમેન્ટ ચુકવ્યા વિના દુકાન અને ઘર બંધ કરી ફરાર થઇ ગયો હતો. આ અંગે ભોગ સુરતના વેપારીએ સલાબતપુરા પોલીસ મથકમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે.સુરતના અડાજણ પાટીયા ઉસ્માની પાર્ક સોસાયટી ઘર નં. 28માં રહેતા 26 વર્ષીય ઝઇદભાઈ અલ્તાફ ભગાડ રીંગરોડ શ્યામ માર્કેટમાં ઝઇદ ઈન્ટરનેશનલના નામે કાપડનો વેપાર કરે છે.છ માસ અગાઉ હૈદરાબાદના શેરાન માર્કેટમાં અઝીઝ બુરખાના નામે વેપાર કરતા અઝીઝભાઇ તેમની દુકાને આવ્યા હતા અને મારૂં હૈદરાબાદ ખાતે બુરખાના કાપડનું ખુબ મોટાપાયે કામકાજ છે તેમ કહી જો તમે મને અહીંથી બુરખાનું કાપડ આપશો તો હું તમને સમયસર પેમેન્ટ કરીશ તેમ કહ્યું હતું.
આથી ઝઇદભાઈએ શરૂઆતમાં થોડો માલ આપ્યો હતો જેનું પેમેન્ટ અઝીઝભાઈએ સમયસર કરી દીધું હતું. ત્યાર બાદ ઝઇદભાઈએ જુલાઈ 2019થી ઓગષ્ટ 2019 દરમિયાન રૂ.16.80 લાખનો બુરખાનો માલ અઝીઝભાઈને ટ્રાન્સપોર્ટમાં મોકલી આપ્યો હતો. જેનું પેમેન્ટ 60 દિવસમાં કરવાનું હતું પરંતુ ઝઇદભાઈએ જયારે પેમેન્ટ માંગ્યું ત્યારે અઝીઝભાઈએ વાયદા કર્યા હતા અને બાદમાં તેમણે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. ઓક્ટોબર માસમાં ઝઇદભાઈને જાણવા મળ્યું હતું કે અઝીઝભાઈએ તેમની દુકાન બંધ કરી દીધી છે.આ અંગે ઝઇદભાઈએ વાત કરતાં અઝીઝભાઈએ હું તમારા રૂપિયા ચૂકવી દઈશ, ચિંતા ન કરો તેવી ધરપત આપી હતી. પરંતુ તેના ગણતરીના દિવસો બાદ ઝઇદભાઈએ હૈદરાબાદ જઈ તપાસ કરી તો અઝીઝભાઈ તેમના સરનામે મળ્યા ન હતા અને વધુ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે તે દુકાન અને ઘર બંધ કરી ક્યાંક ચાલ્યા ગયા છે.રૂ.16.80 લાખની છેતરપીંડી અંગે ઝઇદભાઈએ ગતરોજ અઝીઝભાઈ વિરૂદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા એએસઆઈ દીપ્તિબેને વધુ તપાસ હાથ ધરી છે.