‘હીરોના શહેર’ તરીકે ઓળખાતા ગુજરાતના સુરત શહેરમાં પાંચ લાખથી વધારે કર્મચારીઓને આ વખતે બોનસથી વંચિત રહેવું પડશે. દર વર્ષે પોતાના કર્મચારીઓને બોનસ તરીકે કાર, ઘરેણા અને લક્ઝરી ફ્લેટ આપનારા હીરાના પ્રખ્યાત બિઝનેસ સવજી ધોળકિયાને પણ આ વર્ષે હીરા ઉદ્યોગમાં મંદીને ધ્યાનમાં રાખીને પોતાના હાથ ઉંચા કરી લીધા છે. ધોળકિયાએ કહ્યું કે હીરા ઉદ્યોગ 2008 કરતા પણ વધારે ભયંકર મંદીમાંથી પસાર થઈ રહ્યો છે.
ધોળકિયાએ કહ્યું કે, જ્યારે સમગ્ર ઉદ્યોગ મંદીનો ભોગ બન્યો છે એવામાં અમે આવી મોંઘી દાટ ભેટ આપવા માટેનો ખર્ચો કેવી રીતે ઉપાડી શકીએ? અમે હીરા ઉદ્યોગના કર્મચારીઓના આજીવિકાને લઈને ચિંતિત છીએ. ગયા વર્ષે સાત મહિનામાં હીરા ઉદ્યોગમાંથી 40 હજાર લોકોના હાથમાંથી નોકરીઓ જતી રહી છે. આટલું જ નહીં જે કર્મચારીઓ કામ કરી રહ્યા છે તેમના પગારમાં પણ 40 ટકાનો ઘટાડો કરી દેવામાં આવ્યો છે.
મંદીમાં એવી પરિસ્થિતિ છે કે જે કંપનીઓ કામ કરી રહી છે તેમને પતાના કામમાં ઘટાડો કરવા માટે મજબૂર થવું પડી રહ્યું છે. આ વર્ષે એવું પહેલી વખત બન્યું છે કે હીરાની દિગ્ગજ કંપની ડી બીયર્સને પોતાના ઉત્પાદનમાં ઘટાડો લાવવો પડ્યો છે.
નોંધનીય છે કે સવજી ધોળકિયા પોતાના કર્મચારીઓને દર વર્ષે દિવાળીમાં બોનસ તરીકે કાર અને ફ્લેટ ભેટ આપતા હોય છે. 2011થી 2018 સુધી દર વર્ષે તેઓ પોતાના કર્મચારીઓને દિવાળી બોનસમાં આવી મોંઘીદાટ ભેટ આપતા આવ્યા છે. 2015માં તેમણે પોતાની કંપનીના કાર્મચારીઓને દિવાળી બોનસ તરીકે 491 કાર અને 200 ફ્લેટ ભેટ કર્યા હતા. 2014માં પણ કંપનીએ કર્મચારીઓ વચ્ચે ઈન્સેંટિવ તરીકે 50 કરોડ રૂપિયાની વહેચણી કરી હતી. 2018માં પણ તેમણે દિવાળી પર પોતાના પ્રસિદ્ધ હરિ કૃષ્ણા ગ્રુપ તરફથી બોનસ તરીકે 600 કર્મચારીઓને કાર અને 900 કર્મચારીઓને ફિક્સ ડિપોઝીટ ભેટ કરી હતી.