પાટીદાર અનામત આંદોલન સમિતિના અલ્પેશ કથીરીયાની જામીન મૂક્તિની માંગ સાથે આમરણાંત ઉપવાસ પર બેઠેલા ધાર્મિક માલવિયા અને નિકુંજ કાકડીયાની હાર્દિક પટેલે મુલાકાત લીધી હતી. મુલાકાત બાદ હાર્દિકે પત્રકારો સાથે વાતચીત કરી હતી.
હાર્દિકે જણાવ્યું ગુજરાતમાં 2015થી ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલન દરમિયાન અસંખ્ય લોકો પર કેસ કરવામાં આવ્યા હતા. ઘણા બધા લોકોની બે-ત્રણ વર્ષ પછી ધરપકડ કરવામાં આવી. જેલમાં રહ્યા બાદ યુવાનો બાહર આવ્યા અને જામીન રદ્ કરવામાં આવ્યા.
હાર્દિકે કહ્યું કે ગઈકાલે ગુજરાત વિધાનસભામાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ રજૂઆત કરી છે કે રાયોટીંગના કેસમાં પાટીદાર યુવાનોને પાંચથી સાત વર્ષની સજા થાય તે માટે જોગવાઈ કરવામાં આવી છે. ભાજપ સરકારે જાહેર કર્યું હતું કે પાટીદાર યુવાનો વિરુદ્વના તમામ કેસો પાછા ખેંચવામાં આવશે પરંતુ ગૃહ મંત્રીની જાહેરાતથી સ્પષ્ટ થાય છે ભાજપની કોઈ નીતિ કે સિદ્વાંત નથી. રાજ્યમાં ભાજપ દ્વારા બંધના એલાન આપવામાં આવ્યા છે અને તોડફોડ તથા કાયદાનો ભંગ કરવામાં આવે છે પરંતુ તે અંગે કોઈ કેસ કરાતા નથી. માત્ર પાટીદાર યુવાનોને સજા આપવા માટે હેરાનગતિ કરવામાં આવી રહી છે.
હાર્દિકે કહ્યું કે ઉપવાસી મિત્રોને વિનંતી કરું છું કે આ લડાઈમાં સરકારની ઈચ્છા નથી કે કોઈ ઉકેલ આવે, એટલે ધાર્મિક અને નિકુંજને વિનંતી કરું છું કે પહેલાં તો પારણા કરી લેવા જોઈએ. મેં પણ ઉપવાસ કર્યા હતા પરંતુ સરકાર નથી ઈચ્છતી સત્યના માર્ગે લડાઈ લડાય. જે લોકોએ મહાત્મા ગાંધીની હત્યા કરી હોય તે લોકો યુવાનોની હત્યા કરાવવા કશું પણ કરી શકે છે. ઉપવાસ કર્યા હોય અને સરકાર ધ્યાન ન આપે તે દુખની વાત છે.
હાર્દિકે કહ્યું કે ગુજરાતમાં તમામ લોકો દુખી છે. સરકાર વિચારી રહી નથી. એસટી કર્મચારીઓ હોય કે શિક્ષકો હોય, તમામ સમાજો સરકારથી નારાજ છે. માત્ર ડરાવી, ધમકાવી સરકરા ચલાવવામાં આવી રહી છે.
પુલવામા હુમલા અંગે હાર્દિકે કહ્યું કે આતંકીઓ પાસે આટલા મોટા પ્રમાણમાં વિસ્ફટકો આવ્યા ક્યાંથી? જે રસ્તા પર જવાનો નીકળ્યા તો એ રસ્તો કેમ ચેક કરવામાં આવ્યો નહી? સરકારે સીટની રચના કરી તપાસ કરવી જોઈએ કે આતંકીવાદીઓ આવ્યા ક્યાંથી હતા. આ ઉપરાંત સીઆરપીએફને જે અર્ધ સૈનિક દળનો દરજ્જો છે તેના બદલે તેમને પણ પૂર્ણ સૈનિક દળનો દરજ્જો મળવો જોઈએ અને તેમને પણ શહીદીનું માન મળવું જોઈએ.
યુપીમાં અખિલેશસિંહ યાદવની મુલાકાત અંગે હાર્દિકે કહ્યું કે લોકશાહી અને દેશ બચાવવા અંગે વિરોધ પક્ષના તમામ નેતાઓને મળી રહ્યો છું. અખિલેશ યાદવ સાથેની મુલાકાત પણ તેનો જ એક ભાગ હતી. જે લોકો સમાજવાદ અને બંધારણવાદમાં માને છે તેમને મળી લોકતંત્ર અને બંધારણને બચાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.