ગુજરાતી નખશિખ બિઝનેસમેન હોય છે. પછી ભલેને ગમે તેવી સ્થિતિ હોય તે ધંધાનું કામ કરવાનું ચૂકતો નથી. સુરતના ઘોડદોડ રોડ ખાતે રહેતા ફૈઝલ ચુનારાની કહાની પણ આવી જ છે. દુબઇથી આવ્યા બાદ કોરોનાનો ટેસ્ટ કરાવવા માટે તે સીધો સિવિલ હોસ્પિટલ પહોંચી ગયો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ દસ દિવસ સુધી સિવિલ હોસ્પિટલમાં રહેવાનું આવ્યુ, ધંધાદારી માણસ આમ, તો 24 કલાક એક જ જગ્યાએ એક જ રૂમમાં, એક જ બેડ પર નિકળે નહીં, એટલે તેણે પોતાનો એડવાઇઝરીનો બિઝનસના અધુરા કામ કરવાનું શરૂ કર્યું, માર્ચે એન્ડિંગ હતુ એટલે હિસાબો સરખા કર્યા, ઓડિટ કરાવવાનું હતુ એ કરાવ્યુ. દસ દિવસ વીતી ગયા અને છેવટે તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા અને ફૈઝલને ઘરે જવાની મંજૂરી આપવામાં આવી.
પોતાના અનુભવ અંગે ઘોડદોડની કરીમાબાગ સોસાયટીમાં રહેતા 23 વર્ષીય ફૈઝલ કહે છે કે હું ફોરેનમાં ધંધાકીય એડવાઇઝ આપવાનું કામ કરું છું અને આ માટે તે 1લી માર્ચના રોજ દુબઇ ગયો અને ત્યાંથી 15મી માર્ચના રોજ મુંબઇ એરપોર્ટથી બાયરોડ સુરત આવ્યો હતો. ઘરે આવ્યા બાદ મને સારું નહીં લાગતા હું ફેમિલિ ડોકટરને મળ્યો હતો અને તેઓએ મને સિવિલમાં જઈ કોરોના ટેસ્ટ કરાવવા કહ્યુ હતુ. જો કે, સિવિલના ડોકટરો માનવા તૈયાર જ ન હતા કે મને કોરોના છે. તેઓએ મને ત્રણ સવાલ કર્યા, તાવ છે?, માથુ દુખે છે? અને શ્વાસ લેવામાં તકલીફ છે? મને માત્ર માથું દુખતુ હતુ, શરદી કે ખાંસી પણ ન હતી. આથી ડોકટરોએ મને ઘર જવાનું કહ્યુ, પરંતુ ફોરેન હિસ્ટ્રી અને ઘરમાં મમ્મી અને નાનો ભાઈ પણ હોય મેં જીદ પકડી કે હું કોરોના ટેસ્ટ વગર જવા જ નહીં. અંદાજે 20 થી 25 મિનિટ રિકઝીક ચાલી છેવટે મેં કહ્યુ કે હું મીડિયાને બોલાવીશ. તો તેઓ ટેસ્ટ કરાવવા રાજી થયા, મેં ફોર્મ ભર્યું અને મારો ત્રણમાંથી એક ટેસ્ટ પોઝિટિવ આવ્યો. એટલે 21મીના રોજ હું સિવિલ હોસ્પિટલમાં દાખલ થઇ ગયો. હવે સમય કાઢવાનો હતો. એટલે મે જે ધંધાનું જે પેન્ડિંગ કામ હતુ તે કર્યું, 31મી માર્ચ પણ હોય હિસાબો સરખા કર્યા, ઓડિટનું કામ હતુ તે કરાવ્યુ. આ રીતે સમય પસાર કર્યો. અને છેવટે હું સાજો થઈ ગયો. હોસ્પિટલમાં જમવાનું પણ ઘર જેવું મળતુ હતું. મને સાજો કરીને ઘરે મોકલનાર ડોકટરો, સ્ટાફનો હું ખુબ ખુબ આભાર માનું છું.
ફૈઝલ સાથે દુબઇમાં ત્યાં જ રહેવાસી એવા છ મિત્રો પણ હતા જેઓ સાથે જ રહ્યા હતા. આથી ફૈઝલનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેણે મિત્રોને જાણ કરી હતી જો કે તે તમામનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. ફૈઝલ કહે છે કે મુંબઇ એરપોર્ટ પર કોરોનાને લઇને પુરતી તકેદારી રખાતી ન હતી. જે ચેપ લાગવાનુ એક કારણ હોય શકે.