કોસાડ આવાસમાં છેલ્લા ત્રણ વર્ષથી અલગ રહેતા પતિએ પત્નીના પિયરમાં જઇ ઝઘડો કરી મે તેરે કો છુટાછેડા નહીં દુંગા ઓર જ્યાદા હોશિયારી કી તો જાન સે માર ડાલુંગા એમ કહી કોઇક જ્વંલતશીલ પદાર્થ ફેંકી ગંભીર ઇજા પહોંચાડવાનો પ્રયાસ કરતા મામલો અમરોલી પોલીસ મથકમાં પહોંચ્યો છે. કોસાડ આવાસમાં રહેતી અને ઘરઘાટી તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતી શબાનાબાનુ નાસીરખાન પઠાણ (ઉ.વ. 37) ના લગ્ન જીવન દરમ્યાન સંતાનમાં બે પુત્ર આફતાબ (ઉ.વ. 19, આદિલ (ઉ.વ. 18) અને એક પુત્રી આલીયા (ઉ.વ. 12) છે. પતિ-પત્ની વચ્ચે મનમેળ નહીં હોવાથી નાસીર કોસાડ આવાસમાં જ તેની બહેનના ઘરે રહે છે અને તેઓનો છુટાછેડાનો કેસ પમ કોટર્માં ચાલી રહ્યો છે.
દરમ્યાનમાં ગત સાંજે શબાનાબાનુ અને તેની પુત્રી રસોડામાં જમવાનું બનાવી રહ્યા હતા ત્યારે નાસીર જબરજસ્તી ઘરમાં ઘુસી ગયો હતો.નાસીરે શબાનાબાનુની માતા સાથે ગાળાગાળી કરી હતી અને શબાનાને મેં તેરે કો છુટાછેડા નહીં દુંગા ઓર જ્યાદા હોશિયારી કી તો જાન સે માર ડાલુંગા એવી ધમકી આપી હતી. જેથી પડોશીઓ દોડી આવ્યા હતા અને નાસીરને સમજાવી ઘરમાંથી બહાર મોકલી આપ્યો હતો. પરંતુ વીસેક મિનીટ બાદ નાસીર પરત આવ્યો હતો અને રસોડાની ખુલ્લી બારીમાંથી એસીડ જેવું કોઇક જ્વલંતશીલ પદાર્થ નાંખીને ભાગી ગયો હતો. જ્વલંતશીલ પદાર્થ શરીર ઉપર પડતા શબાનાને બળતરા થવા લાગી હતી અને તેને બુમાબુમ કરતા પરિવારના તમામ સભ્યો દોડી આવ્યા હતા અને પુત્ર આદિલે તુરંત જ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા અમરોલી પોલીસ દોડી આવી હતી અને શબાનાને સારવાર અપાવવાની સાથે પતિ નાસીર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.