પાંડેસરા ફાયર સ્ટેશન પાસે આજે વહેલી સવારે સાઈકલ પર ખમણ લઈને જતા યુવાનને અજાણ્યા ઈસમોએ ચપ્પુના ઘા મારી મોબાઈલ અને રોકડા રૂપિયા લૂંટી લીધા હતા તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો છે.
નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળેલી વિગત મુજબ મૂળ ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાના વતની અને હાલમાં પાંડેસરાના અભ્યાસ ખાતે પોસ્ટ ઓફિસની સામે અલ્યા નગરમાં રહેતો 25 વર્ષીય ધર્મરાજ રામકુમાર કુશવાહ આજે સવારે સાઈકલ પર ખમણ લઈને ઘરે આવવા નીકળ્યો હતો.
ત્યારે પાંડેસરા ફાયર સ્ટેશન પાસે બાઈક પર આવેલા 2 થી 3 અજાણ્યા ઈસમોએ તેને ઉભો રાખ્યો હતો અને તેને ડાબા હાથ અને ડાબી જાંઘના ભાગે ચપ્પુના ઘા મારી રોકડ રૂપિયા 300અને મોબાઇલ ફોન લૂંટીને ભાગી ગયા હોવાનું તેમના સંબંધીઓએ જણાવ્યું હતું.
તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ધર્મરાજ ખમણની ફેરી મારીને વેચાણ કરે છે. પાંડેસરા પોલીસે કહ્યું કે ધર્મરાજના નિવેદન લીધા બાદ હકીકત જાણવા મળશે.