ભેસ્તાન-ઉન નાકા સ્થિત નેશનલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ધમધમતા જરી ના ત્રણ કારખાનામાં શહેર શ્રમ આયુકત વિભાગે દરોડા પાડી 7 બાળ મજુરોને મુકત કરાવવાની સાથે માસુમ બાળકોને કાળી મજુરી કરાવનાર કારખાનેદાર વિરૂધ્ધ પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ફફડાટ વ્યાપી ગયો છે.
નાનપુરા બહુમાળી બિલ્ડીંગ સ્થિત શ્રમ આયુકત કચેરીની ટાસ્ક ફોર્સ ટીમે બે દિવસ અગાઉ ભેસ્તાન-ઉન નાકા પર બસ સ્ટેન્ડ સામે આવેલા નેશનલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પ્લોટ નંબર 33 માં નૌશાદ ક્રિએશન નામના કારખાનામાં દરોડા પાડયા હતા. જયાંથી કારખાનેદાર અક્રમ આલમે પોતાના કારખાનામાં બે બાળ મજુર, પ્લોટ નંબર 39 માં એચ. એન્ડ એસ હેન્ડ વર્ક નામના કારખાનાના માલિક શુકલાએ ચાર બાળ મજુર અને પ્લોટ નંબર 38 માં મેહફુઝ ખાનના જરીના કારખાનામાં દરોડા પાડી એક બાળ મજુરને મુકત કરાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ઉપરોકત ત્રણેય કારખાનેદાર દ્વારા છેલ્લા ઘણા સમયથી માસુમ બાળકો પાસે કાળી મજુરી કરાવી તેમનું બાળપણ છીન્વી લીધું હતું. આ અંગે શ્રમ આયુકત કચેરીને મળેલી માહિતીના આધારે ટાસ્ક ફોર્સએ દરોડા પાડયા હતા અને માસુમ બાળકોને મુકત કરાવવા ઉપરાંત માસુમો પાસે મજુરી કરાવનાર કારખાનેદાર વિરૂધ્ધ પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.