સરથાણા યોગીચોક સરદાર ફાર્મની સામે ગજાનંદ કોમ્પલેક્ષ સ્થિત એમ્બ્રોઇડરી સ્પેરપાર્ટસની દુકાનનો શટર અને લાકડાના દરવાજાનો નકુચો કાપી તસ્કરો બુધવારની રાત્રી દરમિયાન રૂ.10 લાખના પાર્ટસની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ બોટાદના વતની અને સુરતમાં સરથાણા ગોદાવરી પાર્ક સોસાયટી પ્લોટ નં.2 માં રહેતા 32 વર્ષીય ગોપાલભાઈ શ્યામજીભાઈ વાસાણી સરથાણા યોગીચોક સરદાર ફાર્મની સામે ગજાનંદ કોમ્પલેક્ષ પહેલા માળે દુકાન નં.101 માં શ્રી સાંઈ એમ્બ્રોઇડરીના નામે એમ્બ્રોઇડરી સ્પેરપાર્ટસની દુકાન ધરાવે છે.
ગત સવારે 10 વાગ્યે તે દુકાને પહોંચ્યા ત્યારે દુકાનના શટરનો નકુચો કાપેલો હતો અને શટર ઊંચું કરેલું હતું. તેમણે અંદર તપાસ કરી તો અંદરના લાકડાના દરવાજાનો નકુચો પણ કાપેલો હતો. રાત્રી દરમિયાન ત્રાટકેલા તસ્કરો બંને નકુચા કાપી દુકાનમાંથી કુલ રૂ.10,00,250ની મત્તાના એમ્બ્રોઇડરી વર્કના મશીન ટુલ્સ અને પાર્ટસ ચોરી ફરાર થઇ ગયા હતા. આ અંગે ગોપાલભાઈએ રાત્રે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીઆઈ ટી આર ચૌધરીએ વધુ તપાસ હાથ ધરી છે.