વરિયાવ ચેક પોસ્ટ નજીક મહેશભાઇ રબારીના તબેલામાં પિતા સાથે રહેતી માતા વિહોણી ૬ વર્ષની માસુમ બાળાને તબેલમાં જ કામ કરતો યુવાન ફરવાના બ્હાને મોપેડ પર લઇ ગયા બાદ પરત નહીં આવતા જહાંગીરપુરા પોલીસ દોડતી થઇ ગઇ છે.
વરિયાવ ચેક પોસ્ટ નજીક ગોગાધામ સોસાયટી (રબારીવાસ)માં મહેશ મોતીભાઇ રબારીના તબેલામાં દુધ દોહવાની સાથે ડ્રાઇવીંગ કામ કરતા અરજણ ઉર્ફે અર્જુન જયમલ દેસાઇ કરે છે. ચાર વર્ષ અગાઉ પત્નીનું બિમારીમાં મોત થતા 6 વર્ષની માસુમ પુત્રી કોમલ સાથે અરજણ તબેલામાં જ રહે છે. માત્ર બે વર્ષની ઉંમરે જ માતાનું છત્ર ગુમાવનાર કોમલને તબેલામાં જ કામ કરતા ત્રીસ વર્ષીય રાહુલ ખવડાવતો, રમાડતો અને બહાર ફરવા પણ લઇ જતો હતો. દિવાળી અગાઉ તા.26ના રોજ અરજણ ભેંસાણ રોડ પર હતો ત્યારે રાહુલને લેવા માટે બોલાવ્યો હતો. જેથી રાહુલ એકટીવા મોપેડ પર કોમલ સાથે ભેંસાણ રોડ પર આવ્યો હતો.
પરંતુ ત્યાંથી રાહુલ પોતાને કામ છે એમ કહી કોમલને લઇને નીકળી ગયો હતો અને અરજણ ઉગત નજીક દરજીની દુકાને કપડા લેવા ગયો હતો. પરંતુ ત્યાર બાદ રાહુલ કોમલને લઇને પરત આવ્યો ન હતો. અરજણે રાહુલને ફોન કર્યો હતો પરંતુ તેનો કોઇ જવાબ આપ્યો ન હતો. જોકે, બીજા દિવસે પુનઃ અરજણે રાહુલને ફોન કરતા પુત્રી કોમલે ફોન ઉપાડી પોતે રમી રહી છે એમ કહ્યું હતું. જો કે ત્યાર બાદ ભાઇબીજના દિવસે અરજણ તબેલા પર ગયો ત્યારે જાણવા મળ્યું કે, રાહુલ નવા વર્ષના દિવસે કોમલને એકટીવા પર લઇને ગયા બાદ તે પરત આવ્યો નથી. જેથી અરજણે રાહુલને ફોન કર્યો હતો અને ફોન કોમલે ઉપાડી પપ્પા બોલ્યા બાદ રાહુલે ફોન બંધ કરી દીધો હતો. જેથી પોતાની વ્હાલસોયી પુત્રનું રાહુલ અપહરણ કરી લઇ ગયો હોવાની આશંકા સાથે જહાંગીરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોસઇ હિલ્પા સિંન્ધાએ રાહુલના મોબાઇલ ફોનની કોલ ડિટેઇલના આધારે રાહુલનું પગેરૃ મેળવી કોમલની ભાળ મેળવવાની કવાયત આદરી છે.