નવા મોટર વ્હીકલ એક્ટના અમલની સાથે પોલીસ સાથે ઘર્ષણના વધી રહેલા કિસ્સા વચ્ચે કાપોદ્રા ચાર રસ્તા ખાતે ટ્રાફિક નિયમની ફરજ બજાવી રહેલા ટ્રાફિક પોલીસકર્મીઓને દંડ ભરવાનો તો ઠીક દંડની રસીદ સ્વીકારવાનો પણ ઇન્કાર કરી જાહેરમાં અપશબ્દો ઉચ્ચારી ઝપાઝપી કર્યાની ફરિયાદ કાપોદ્રા પોલીસ મથકમાં નોંધાય છે.
શહેર પોલીસની ટ્રાફિક શાખામાં રીજીયન 1 માં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્ર રમેશ અને એએસઆઇ રાકેશ ફતેસીંગ સહિતના સ્ટાફ સાથે ફરજ બજાવી રહ્યા હતા. દરમ્યાનમાં હેલમેટ પહેર્યા વિના મોટરસાઇકલ નંબર જીજે-5 પીએસ-7411 પર પસાર થઇ રહેલા ચાલક જીગ્નેશ લવજી દિયોરા (ઉ.વ. 29 રહે. ખોડિયાર નગર, સુદામા ચોક, મોટા વરાછા) ને અટકાવ્યો હતો. જેથી તેના વિરૂધ્ધ દંડાત્મક કાર્યવાહીના ભાગ રૂપે સ્થળ દંડ ભરવા જણાવ્યું હતું. પરંતુ જીગ્નેશે સ્થળ દંડ ભરવાનો ઇન્કાર કર્યો હતો અને કોર્ટમાં દંડ ભરશે તેમ જણાવ્યું હતું.
જેથી કોર્ટ એન.સી ની રસીદ બનાવી તેની ઉપર જીગ્નેશની સહી કરાવી હતી પરંતુ ત્યાર બાદ અચાનક જ જીગ્નેશે દંડ ભરવાનો તો ઠીક છે. રસીદ સ્વીકારવાનો પણ ઇન્કાર કરી દીધો હતો અને પોલીસકર્મીઓ સાથે જીભાજોડી કરી અપશબ્દો ઉચ્ચારી ઝપાઝપી કરી હતી. જેથી આ અંગે છેવટે જીગ્નેશ વિરૂધ્ધ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.