સોના-ચાંદીના દાગીના, આઇફોન એક્સ સહિત રૃા.24 લાખના વિદેશી ચલણ સાથેનું પાર્સલ તારા માટે લાવ્યો છું તે છોડાવા માટે જુદી-જુદી પ્રોસેસના બહાને ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડે સુરતના લાલ દરવાજા વિસ્તારની શિક્ષિકાના રૃા.1.95 લાખ પડાવી લીધા છે.
ઈન્સ્ટાગ્રામ પર થઈ હતી મુલાકાત
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજકોટના વતની અને સુરતમાં લાલ દરવાજા બંદૂકડાના નાકા રાધે ઢોકળાની ઉપર રહેતા અને ઉતરાણની ઇન્ટરનેશનલ અંગ્રેજી સ્કૂલના ઇંગ્લીશ ટીચર 36 વર્ષીય મીનલબેન વિરલભાઇ સિધ્ધપુરાએ હાલ નોકરી છોડી દીધેલી છે. જુલાઇમાં તેમને ઇન્સ્ટાગ્રામ પર રાજેશ રાજ કુમાર નામક વ્યક્તિએ ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલતા સપ્તાહ બાદ સ્વીકારી હતી. ત્યારબાદ વાતચિત વધી અને મોબાઇલ નંબરની આપ-લે થઇ હતી.
45 હજાર રૂપિયાની લાલચ ભારે પડી ગઈ
બાદમા વ્હોટ્સએપ પર વાતચિતમાં રાજેશે પોતાની ઓળખ યુનાઇટેડ કિંગડમના (U.K.) રહેવાસી તરીકે આપી સપ્તાહ બાદ એક પાર્સલનો ફોટો મોકલી કહયુંકે, તારા માટે પાર્સલ મોકલ્યું છે. તે છોડાવવા માટે રૃા. 1000 કે 2000 થશે. તા7 ઓગષ્ટે મીનલબેનને હિન્દીભાષીએ કોલ કરીને રાજેશકુમારે મોકલાવેલું પાર્સલ છોડાવવા રૃા.45 હજાર ભરવા પડશે તેમ કહયું હતું. પાર્સલમાં શું છે ? તેમ પુછાતા તે વ્યક્તિએ ગોલ્ડ જ્વેલરી, આઇફોન એકસ અને ભારતીય ચલણ મુજબ રૃ.24 લાખની મત્તાના ત્રીસ હજાર પાઉન્ડ રોકડા હોવાનું કહ્યું હતું.
2 લાખ વધારે અને પછી
આજે જ પાર્સલ છોડાવવું પડશે કહેવાતા મિનલબેને રૃા.45 હજાર જમા કરાવતા બપોરે ફરી ફોન કરી પાર્સલની અંદર રહેલી વસ્તુઓના સર્ટીફીકેટ બનાવવા માટે વધુ રૃા.2 લાખ ભરવા પડશે તેમ કહેવાતા તેમણે સાંજે સુધી જેમતેમ રૃા.1.10 લાખ ભેગા કરીને જમા કરાવ્યા હતા. બીજા દિવસે કોલ આવ્યો સ્કેન રિપોર્ટ તૈયાર કરવા વધુ રૃા.40 હજાર જમા કરાવ્યા હતા. રૃા.1.95 લાખ ભર્યા બાદ પણ જુદા-જુદા ચાર્જીસના નામે વધુ પૈસા મગાતા મીનલબેને પાર્સલ પરત લઇ પોતાના પૈસા પરત આપી દેવા કહી દીધું હતું.
તું દુનિયાની સૌથી મુર્ખ વ્યક્તિ છે
મીનલબેને કહયું પાર્સલની તારી વાત ખોટી છે તો ભેજાબાજ રાજેશે કહયું, તું દુનિયાની સૌથી મૂર્ખ વ્યક્તિ છે. મીનલબેને આ રકમ મારા પિતાજીના ઓપરેશનની છે તેમ કહી ઈન્ટરનેટ ઉપરથી આઈસીયુના ફોટા ડાઉનલોડ કરી રાજેશને મોકલ્યા હતા અને બાદમાં સાઇબર ક્રાઇમ પોલીસમાં અરજી પણ કરી હતી. જોકે, ત્યાર બાદ પણ મીનલબેનને ફોન કરી પાર્સલ છોડાવવા માટે વધુ રકમ ભરવા અને પૈસા પરત આપવા બેન્ક ડીટેઇલ માંગી હતી. પોતે છેતરાઈ છે તે સ્પષ્ટ થતાં મીનલબેને જ્યારે રાજેશને વ્હોટસએપ ઉપર મેસેજ કર્યો કે તું ખોટું બોલે છે ત્યારે તેણે વળતો જવાબ આપ્યો હતો કે તું દુનિયાની સૌથી મુર્ખ વ્યક્તિ છે.
મારો ભાઈ સાઈબર ક્રાઈમમાં છે કહેતા તો બ્લોક કરી દીધી
મારો ભાઇ સાઇબર ક્રાઇમમાં છે કહેવાતા રાજેશે મીનલને બ્લોક કરી જ્યારે મીનલબેને રાજેશને કહ્યું કે મારો ભાઈ સાઇબર ક્રાઇમમાં છે તે સાથે તેણે બ્લોક કરી દીધી હતી. મહિધરપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૃ કરી છે.