નવા ટ્રાફિક નિયમના અમલના નામે ટ્રાફિક પોલીસ વાહનોના આરસીબુક, પીયુસી અને વીમા જેવા ડોક્યુમેન્ટ્સની માંગ કરે છે અને જો ડોક્યુમેન્ટ્સ સાથે નહીં હોય તો દંડ પણ કરે છે. જનહિતમાં શરૂ કરાયેલી પહેલને વ્યાપક જનસમર્થન મળી રહ્યું છે. ત્યારે કેન્દ્ર સરકારે પણ એક અડવાઈઝરી જારી કરી જ છે. પરંતુ તેને ટ્રાફિક પોલીસ દ્વારા ધ્યાને લેવામાં આવતી જ નથી. દ્વારા કેન્દ્ર સરકારના માર્ગ અને પરિવહન મંત્રાલય 23 સપ્ટેમ્બર એક એડવાઈઝરી જારી કરી હતી. જેમાં સ્પષ્ટપણે જણાવ્યું કે જો કોઈ વાહનચાલક મોબાઈલ ન હોવાથી દસ્તાવેજો ડીજીટલ સ્વરૂપે રજુ ન કરી શકે તો સ્થળ પરના અધિકારીએ જાતે ચેક કરી લેવા. પરંતુ લોકો હેરાન થવા ન જોઇએ. આ રીતે પણ આ લડત વ્યાજબી છે અને એડવાઇઝરી એવી હોવી જોઈએ કે ફિઝિકલ – ડિજિટલ કોઈપણ સ્વરૂપે વાહનચાલકોએ દસ્તાવેજો સાથે રાખવાની જરૂર નથી. સ્થળ પરનાં અધિકારી જાતે પોતાની ડિવાઈસમાં ચેક કરી લે.
આ એડવાઈઝરી હોવા છતાં પણ પોલીસ દ્વારા વાહનચાલકો અને માલિકોને હેરાનગતિ કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા પણ આ એડવાઈઝરીનો પોલીસ દ્વારા અમલ કરવામાં આવે તેવો કોઈ ઉત્સાહ બતાવવામાં આવતો નથી. જોકે, સુરતના સાંસદો અને ધારાસભ્યો દ્વારા પણ એવો જ સૂર વ્યક્ત કરાયો છે કે જ્યારે તમામ દસ્તાવેજો ડિજિટલ થઈ રહ્યા છે ત્યારે શા માટે પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા માત્ર જે તે વાહનનો નંબર લઈ પોતાની પાસેના ડીવાઈસમાં નાખીને ચેક કરી લેવું જોઈએ કે તેના તમામ દસ્તાવેજો બરાબર છે કે નહીં અને જો નહીં હોય તો જ પછી આગળની કાર્યવાહી કરવી જોઈએ. ડોક્યુમેન્ટ્સ તમામ વાહનચાલકો સાથે લઈને ફરે તે કોઈપણ રીતે દર વખતે શક્ય નથી અને ટ્રાફિક પોલીસ તેમ આરટીઓના તંત્રએ તેને સમજી લેવાની જરૂરીયાત છે
પોલીસ જાતે જ ડીવાઈસ રાખીને વાહનના દસ્તાવેજો ચેક કરે, લોકોને હેરાન નહીં કરે: સાંસદ સીઆર પાટીલ
સાંસદ સીઆર પાટીલે જણાવ્યું હતું કે, તમામ દસ્તાવેજો ડિજિટલ થઈ રહ્યા છે ત્યારે પોલીસ દ્વારા વાહનચાલકો કે માલિકો પાસે ડોક્યુમેન્ટ્સ માંગવામાં આવે તે કોઈપણ રીતે વ્યાજબી નથી. પોલીસે જાતે જ ડીવાઈસ રાખીને જે તે વાહનના દસ્તાવેજો યોગ્ય છે કે નહીં તે તેના નંબર પરથી ચેક કરી લેવું જોઈએ. આ મુદ્દે કેન્દ્ર સરકારમાં પણ રજૂઆત કરવામાં આવશે કે પોલીસ ડિજિટલી કામ કરે અને વાહનમાલિકોને હેરાન નહીં કરે.
પોલીસને સીસ્ટમમાં આવતા વાર લાગશે, જરૂર પડશે તો સરકારમાં રજૂઆત કરીશું: સાંસદ દર્શના જરદોશ
સાંસદ દર્શના જરદોશે કહ્યું હતું કે, આજનો જમાનો ડિજિટલનો છે. એક વખત જ્યારે વાહનોના તમામ દસ્તાવેજો ડિજિટલ થઈ જાય ત્યારે તેને લોકો પાસે માંગવા યોગ્ય નથી. જોકે, હજુ પોલીસને આ સીસ્ટમમાં આવતા વાર લાગે તેવી સંભાવના છે. ધીરેધીરે પોલીસ પણ સમજી જશે. જરૂર પડે અમે પણ સરકારમાં રજૂઆત કરીશું
સુરતમાં પોલીસ જાતે જ દસ્તાવેજો ડિજિટલી ચકાસી લે તે માટે પો.કમિ.ને રજૂઆત કરાશે: ધારાસભ્ય પૂર્ણેશ મોદી
ધારાસભ્ય અને માજી સંસદીય સચિવ પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, આજે જમાનો ડિજિટલનો થઈ ગયો છે ત્યારે નવા સૂચનો આવકાર્ય છે. નવા સૂચનો પ્રમાણે કામગીરી ચાલી જ રહી છે. સાથે સાથે સરકાર પણ તેમાં રસ લઈને કામ કરી રહી છે. શક્ય છે કે થોડો સમય લાગશે. પોલીસ દ્વારા વાહનચાલકોને આ મુદ્દે હેરાન કરવામાં નહી આવે અને પોલીસ જાતે જ જે તે વાહનોના નંબરને આધારે તેના દસ્તાવેજો ડિજિટલી ચકાસી લે તે માટે પો.કમિ.ને પણ રજૂઆત કરવામાં આવશે.
વીમા કંપની જ્યારે નાણાં લઈ રહી છે ત્યારે તમામ દસ્તાવેજો ડિજિટલી રાખવાની જવાબદારી સરકારની છે: એડ. શ્રેયસ દેસાઈ
ગ્રાહક સેવાને લગતા કેસો લડતા જાણીતા વકીલ શ્રેયસ દેસાઈએ જણાવ્યું હતું કે, જ્યારે ગ્રાહકોને સેવા અપાઈ રહી છે અને વીમા કંપનીઓ નાણાં પણ લઈ રહી છે ત્યારે સરકારની એ ફરજ બને છે કે જે તે વાહનના દસ્તાવેજોનો રેકોર્ડ સરકાર જ રાખે. જ્યારે વાહન ચાલક કે તેના માલિકને ચેક કરવાના હોય ત્યારે નંબરના આધારે જે તે દસ્તાવેજો ડિજિટલી ચકાસી જ શકાય છે. આ સંજોગોમાં સરકારે જ આ કામ કરવાનું છે. ચાહે તે પોલીસ કરે કે પછી આરટીઓ. લોકોને હેરાન કરવાના હોય જ નહીં.