ચોમાસાની શરૂઆત થતા જ શકાસ્પદ ડેન્ગ્યુમાં કડોદરની યુવતીનું મોત નીપજ્યું છે. સુરત સિવિલ હોસ્પિટલમાં મૃત જાહેર કરાયેલી વંદના ઉમેશ સિંગ છેલ્લા 6 દિવસથી બીમાર હોવાનું અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહી હોવાનું પિતાએ જણાવ્યું છે. લેબોરેટરીના રિપોર્ટમાં પણ વંદનાના પ્લેટ રેટ ઓછા થતા હોવાનું બહાર આવ્યું છે. જોકે, હાલ વંદનાના મૃત્યુનું સાચું કારણ જાણવા પોસ્ટ મોર્ટમની દિક્ષામાં કામગીરી હાથ ધરી છે.
કડોદરા વિસ્તારમાં આવેલા શાંતિ વિહાર પ્લાઝામાં મૂળ મધ્યપ્રદેશની વંદના ઉમેશ સિંગ(ઉ.વ.18) પરિવાર સાથે રહેતી હતી. પિતા ટીવી રિપેરીંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. વંદના છેલ્લા 5-6 દિવસથી બીમારીમાં સપડાઈ ગઈ હતી. મેલેરિયા અને ડેન્ગ્યુની ખાનગી હોસ્પિટલમાં સારવાર પણ લીધી હતી. આજે તબિયત લથડતા માતા-પિતા બાઈક પર સારવાર માટે સિવિલ હોસ્પિટલ લાવી રહ્યા હતા. દરમિયાન ઉધના દક્ષેશ્વર મંદિર નજીક પહોંચતા વંદનાને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. જેથી વંદનાને રિક્ષામાં સિવિલ હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા. જ્યાં ફરજ પરના તબિબે તેને મૃત જાહેર કરી હતી.
દીકરીના મોતના પગલે સિવિલ હોસ્પિટલમાં માતાના હૈયાફાટ રૂદનથી માહોલ ગમગીન થઈ ગયો હતો. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે વંદનના લેબોરેટરીના રિપોર્ટમાં પ્લેટ રેટમાં ઘરખમ ઘટાડો જોવા મળ્યો હતો. પ્લેટ રેટ 4 જૂને 127000થી 6 જૂને 117000 થઈ ગયા હતા. જેથી શંકાસ્પદ ડેન્ગ્યુ કહીં શકાય. જોકે, પોસ્ટમોર્ટમ બાદ મૃત્યુનું કારણ બહાર આવશે. હાલ યુવતીના પોસ્ટમોર્ટમની કામગીરી હાથ ધરવામાં આવી છે.