શહેરમાં દારૂની હેરાફેરી માટે બોગસ નંબર પ્લેટનો ઉપયોગ કરવામાં આવતો હોવાનો પર્દાફાશ થયો છે. વરાછા એલ.એચ. રોડ પરથી રૂા. 1.28 લાખની મત્તાના દારૂના જથ્થા સાથે ઝડપાયેલા ટેમ્પોમાં બોગસ નંબર પ્લેટ ઉપરાંત એન્જીન અને ચેસીસ નંબર ઘસી નાંખ્યા હોવાનું બહાર આવતા કાપોદ્રા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગત તા. 5 નવેમ્બરના રોજ કાપોદ્રા પોલીસે બાતમીના આધારે વરાછા એલ.એચ. કોડ સ્થિત ગાયત્રી સોસાયટી નજીક જાહેર શૌચાલય પાસેથી મહિન્દ્રા કંપનીના ટેમ્પો નંબર જીજે-5 વી-8425 ને ઝડપી પાડી તેમાંથી વિદેશી બનાવટના દારૂના રૂા. 1.18 લાખના જથ્થો ઝડપી પાડી ટેમ્પો ચાલક દેવારમ ભાગીરથરામ બિસ્નોઇ (ઉ.વ. 30 રહે. પરમહંસ સોસાયટી, ત્રિકમ નગરની બાજુમાં, અર્ચના સ્કુલ નજીક, પુણાગામ) ની ધરપકડ કરી હતી.
પોલીસે દેવારામની પુછપરછ હાથ ધરવાની સાથે ટેમ્પોના રજીસ્ટ્રેશન નંબર અંગે તપાસ હાથ ધરતા ચોંકાવનારી હક્કીત બહાર આવી હતી. પોલીસે આરટીઓમાં ટેમ્પોના રજીસ્ટ્રેશન નંબરની ખાત્રી કરાવતા દેવારામ અને તેના સાથીદારોએ મહિન્દ્રા કંપનીનો એક્જીમો મોડેલનો જે ટેમ્પો કબ્જે લીધો હતો તેના પર જે નંબર પ્લેટ હતી તે જીજે-5 વી-8425 પીઆજીઓ કંપનીના થ્રી વ્હીલ પીકઅપ વાનનો હતો અને તેની માલિકી ગણપત કોદુરામ બેડા (રહે. સીતારામ નગર સોસાયટી, એલ.એચ. રોડ, વરાછા)ની માલિકીનો હોવાનું બહાર આવ્યું હતું.
ઉપરાંત ટેમ્પોના એન્જીન અને ચેસીસ નંબર પણ ઘસી નાંખવામાં આવ્યા હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી પોલીસે આ અંગે દેવારામ અને તેના સાથીદારો વિરૂધ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.