કોરોનાની મહામારી વચ્ચે પણ શાળા સંચાલકો ફી ની ઉધરાણી બંધ કરવાનું નામ લઈ રહ્યા નથી. એક તરફ વાલીઓની આર્થિક સ્થિતિ કથળી છે તો બીજી બાજુ શાળાઓ હજી વાસ્તવિક રીતે શરૂ થઈ નથી. આવા સમયે શાળાઓનું વાલીઓ પર ફી ભરવા માટેનું દબાણ કેટલું યોગ્ય છે. શહેરની વેસુમાં આવેલી એલ.પી. સવાણી શાળા દ્વારા ફી ન ભરનાર વાલીઓના બાળકોનું ઓનલાઈન એજ્યુકેશન બંધ કરવાની સાથે તેમને એલ.સી. આપવાની પણ ધમકી આપવામાં આવી છે. હાઈકોર્ટના ફક્ત ટ્યુશન ફી લેવાના ઓર્ડરનું ઉલ્લંધન કરીને શાળા દ્વારા તમામ ફી ની ઉધરાણી કરતા અંતે ઉશ્કેરાયેલા વાલીઓએ કલેક્ટરને શાળા વિરુદ્ધ પગલા લેવા અને ઓનલાઈન એજ્યુકેશન શરુ કરવા માટે આવેદન આપ્યું છે.
ફી ન ભરનાર બાળકોનું ઓનલાઈન શિક્ષણ બંધ કરી દેવાયું
મળતી માહિતી પ્રમાણે એલ.પી.સવાણી શાળા દ્વારા છેલ્લા ઘણા સમયથી વાલીઓને ફી ભરવા માટે દબાણ કરવામાં આવે છે. સુરત પેરેન્ટ્સ એશોશિએશન દ્વારા પણ હાઈકોર્ટમાં સ્કુલ ફી માફી માટે પી.આઈ.એલ કરવામાં આવી છે. હાલ હાઈકોર્ટ દ્વારા શાળાઓને ફક્ત ટ્યુશન ફી લેવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. તે છતા આજે શાળા દ્વારા તમામ ફી ની માંગણી કરાતા વાલીઓ વિફર્યા હતા. ફી ન ભરનાર વાલીઓના બાળકોને એલ.સી. આપવાની ધમકી આપવામાં આવી રહી છે સાથે તેમનું ઓનલાઈન એજ્યુકેશન પણ બંધ કરી દેવાયું છે. શાળા દ્વારા હાઈકોર્ટના ઓર્ડરના ઉલ્લંધન સાથે બાળકોના ભવિષ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા છે.
વાલીઓને હાલ ફક્ત ટ્યુશન ફી ભરવા માટે જ ઓર્ડર અપાયા છે
એલ.પી. સવાણી ગૃપના એડમિન મયુર દલસાણિયાએ જણાવ્યું હતું કે અમે વાલીઓ પાસે ફી ભરવા કોઈ પણ પ્રકારનું દબાણ કર્યું નથી. જે વાલીઓની આગળના વર્ષની ફી બાકી છે તેમને ફી ભરવા માટે કહેવાયું છે. જે વાલીઓની પરિસ્થિતિ સારી નથી તેમને શાળા તંત્ર સાથે મિટીંગ કરવા માટે જાણ કરવામાં આવી છે. પણ હજી સુધી કોઈ પણ વાલીઓ આવ્યા નથી. વાલીઓને હાલ શાળા દ્વારા ફક્ત ટ્યુશન ફી ભરવા માટે જ કહેવામાં આવ્યું છે.