કોઈ માણસ દારુના નશામાં રવાડે ચઢે કે જાહેરમાં ફજેતો કરી લવારો કરે, લથડીયા ખાય તો સમજવામાં આવે તેવી વાત છે. ગુજરાતમા દારુબંઘી છે છતાં દારુ છૂટથી મળે છે તેવામાં સુરત પાસીંગની મર્સિડીઝને દારુના નશામાં છાકટા બનેલા યુવાન દ્વારા તોડફોડ કરવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
વીડિયોમાં GJ-05- JR-4201 નંબરની મર્સિડીઝ બેન્ઝ કાર દેખાય છે. ગંજી અને હાફ પેન્ટ પહેરેલો યુવાન કારને તોડતો દેખાય છે. કારની ડીકીથી લઈ બોનેટ, સાઈડ ગ્લાસને પોતાના હાથે તોડી રહ્યો છે. ત્યાર બાદ એ કારમાં બેસીને અંદરથી પણ તોડફોડ કરે છે. રાત્રીના અંધકારમાં યુવાનનો ચહેરો ઓળખી શકાતો નથી પરંતુ કારના ભૂક્કા બોલાવતો હોવાનું સ્પષ્ટ દેખાય છે.
સાઈડ પર મોબાઈલમાં આ યુવાનની હરકતોને મોબાઈલના કેમેરામાં કૈદ કરતા યુવાનોનો આછો-પાતળો અવાજ સંભળાય છે. ત્યાર બાદ મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ જાય છે અને પોલીસને જાણ કરવામાં આવે છે. પોલીસ આવે છે અને તેને પકડી જાય છે.
આ ઘટના બની છે મુંબઈના સાન્તાક્રુઝ ખાતે આવેલા કાલીના વિસ્તારમાં. યુવકને પકડીને પોલીસને હવાલે કરવામાં આવે છે છતાં પણ યુવક કાબૂમાં રહેતો નથી. પોલીસ તેની ધોલધપાટ પણ કરે છે. સાન્તાક્રુઝ પોલીસે તેની ધરપકડ કરી હોવાની માહિતી મળી રહી છે.