ગુજરાતમાં વરસાદને લઇને કરવામાં આવેલી આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 64 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ કલ્યાણપુરમાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 64 તાલુકામાં વરસાદ વરસ્યો છે, તેમાં સૌથી વધુ કલ્યાણપુરમાં 7 ઈંચ વરસાદ, કચ્છના માંડવીમાં 5 ઈંચ વરસાદ, પોરબંદરમાં પોણા 5 ઈંચ, દ્વારકામાં 3 ઈંચ, ખંભાળિયામાં 3 ઈંચ, કેશોદમાં પોણા 3 ઈંચ, રાણાવાવ, નખત્રાણા, કુતિયાણામાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે 11 તાલુકામાં 1થી 2 ઈંચ વરસાદ નોંધાયો છે.
બીજી બાજુ આજે વહેલી સવારથી જ રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. સુરત શહેરમાં આજે વહેલી સવારથી વરસાદ ખાબકી રહ્યો છે. સુરતના વરાછા, રાંદેર, સરથાણા, ખટોદરામાં વરસાદ પડી રહ્યો છે. ખટોદરા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હોવાના અહેવાલ પણ મળી રહ્યા છે. શહેરમાં પાણી ભરાતા વાહન ચાલકોને મોટી મુશ્કેલી પડી રહી છે. પલસાણા તાલુકામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયાના વિરામ બાદ મેઘરાજાનું તાલુકામાં ફરી આગમન થયું છે. ધોધમાર વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લ્હેર પ્રસરી ગઈ છે. વાવણીના સમયે વરસાદ વરસતા ખેડૂતોને રાહત થઈ છે.