સુરતના વેસુ VIP રોડ પર આવેલા મેઘ મલ્હાર ધોસામાં ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. અજાણ્યા ઈસમો 45 હજારની રોકડની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. સાથે જ ચોરીની આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.
રેસ્ટોરન્ટના મુખ્ય દરવાજાનું તાળું તોડી અજાણ્યો શખ્સ અંદર પ્રવેશ્યો હતો
સુરતના સરથાણા જકાતનાકા પાસે રહેતા જગદીશભાઈ રીબડિયા વેસુ વીઆઈપી રોડ પર રત્નજ્યોતિની બાજુમાં મેઘ મલ્હાર ઢોસા નામની રેસ્ટોરન્ટ ચલાવે છે. 24 ઓગસ્ટે તેમની રેસ્ટોરન્ટને અજાણ્યા હુમલાખોરે નિશાન બનાવી હતી. જેમાં રેસ્ટોરન્ટના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશી કોઈ અજાણ્યો શખ્સ કાઉન્ટરમાંથી મોબાઈલ ફોન, ઓર્ડર લેવા માટેની 5 ટેબલેટ અને 25 હજાર રોકડ મળી કુલ 45 હજારની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.
CCTVમાં ચોર કેદ થતા ફરિયાદ
બીજા દિવસે જ્યારે ખબર પડી કે રેસ્ટોરન્ટમાં ચોરી થઈ છે તો તેઓએ ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા, જેમાં એક વ્યક્તિ રેસ્ટોરન્ટમાં ચોરી કરતો જોવા મળે છે. આ બનાવ બાદ જગદીશભાઈએ ઉમરા પોલીસ મથકે ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે. જેમાં ઉમરા પોલીસે ગુનો નોંધી તસ્કરોને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે. નોંધનીય છે કે મુખ્ય માર્ગ પર આવેલી રેસ્ટોરન્ટમાં પોલીસના પેટ્રોલિંગ પર પણ સવાલો ઉભા થયા છે.