સુરતના લીંબાયત ગોડાદરા લક્ષ્મણનગરના નાકે સ્કુલે જતી 14 વર્ષીય તરૂણીની પીછો કરી હાથ પકડી છેડતી કરનાર યુવાનને તરૂણીની માતાએ રંગેહાથ ઝડપી લીધો હતી. જોકે, યુવાન અને ત્યાં આવેલા તેના ભાઈએ તરૂણીની માતા સાથે ગાળાગાળી કરી તરૂણીના માસાને માર પણ માર્યો હતો. બનાવ અંગે લીંબાયત પોલીસે ગુનો નોંધી બંને ભાઈની ધરપકડ કરી હતી. પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ બિહારના વતની અને સુરતમાં લીંબાયત ગોડાદરા વિસ્તારમાં રહેતા શ્રમજીવીના ત્રણ સંતાનો પૈકી 14 વર્ષીય પુત્રી છેલ્લા કેટલાક દિવસથી સ્કુલે જતી ત્યારે તેના ઘર પાસેની લક્ષ્મણનગર સોસાયટીના નાકે પાનમસાલાની દુકાને બેસી રહેતો વિકાસ ઉર્ફે ગુડ્ડુ જોગેન્દ્ર શાહ (ઉ.વ.23) ( રહે. ઘર નં.1, લક્ષ્મણનગર, ગોડાદરા, લીંબાયત, સુરત) તેને નામથી બોલાવી ઈશારા કરી પોતાની પાસે બોલાવતો હતો.
આ અંગે તરૂણીએ ગતરોજ તેની માતાને વાત કરતા તે તરૂણીની પાછળ પાછળ ગઈ હતી અને રીક્ષા પાછળ સંતાઈ તરૂણીનો પીછો કરી તેનો હાથ પકડતા જ વિકાસ ઉર્ફે ગુડ્ડુને રંગેહાથ ઝડપી લીધો હતો. તરૂણીની માતાએ તેને હાથ કેમ પકડ્યો તેમ પૂછતાંવિકાસ ઉર્ફે ગુડ્ડુએ ગાળાગાળી કરી હતી. આથી તરૂણીની માતાએ બનેવી પ્રભાતસીંગને ફોન કરી ત્યાં બોલાવ્યા હતા. આ તરફ વિકાસ ઉર્ફે ગુડ્ડુએ પણ તેના નાના ભાઈ સંજય (ઉ.વ.21)ને બોલાવ્યો હતો. બાદમાં બંનેએ ઝઘડો કરી પ્રભાતસીંગને માર માર્યો હતો અને ભાગી છુટ્યા હતા. બનાવ અંગે તરૂણીની માતાએ બંને ભાઈ વિરુદ્ધ લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મોડીરાત્રે બંનેની ધરપકડ કરી હતી. વધુ તપાસ પીએસઆઈ આર ડી નીનામા કરી રહ્યા છે.