સુરતનાં હીરામાં સનસનાટી મચી જવા પામી છે. મુંબઈ કસ્ટમે વિદેશથી આવી રહેલા સુરતના ઉદ્યોગપતિના 3000 કરોડના રફ ડાયમંડના જથ્થાને મુંબઈ પોર્ટ પર જપ્ત કરી લીધા છે. કસ્ટમ વિભાગે મિસ ડીક્લેરેશનની આશંકાએ હીરા માલિકોની પૂછપરછ ચાલુ કરી છે.
હીરા ઉદ્યોગના સૂત્રોના જણાવ્યાં અનુસાર મુંબઈ પોર્ટ પર સુરતના એક મોટા હીરા વેપારીએ રફ હીરાઓના 23 પાર્સલ મંગાવ્યા હતા. મુંબઇના કસ્ટમ વિભાગ દ્વારા સુરતના હિરા ઉદ્યોગના વેપારીઓના હિરાને મેમો નંબર 03/2019થી ડાયમન્ડ સેક્શન 110 મુજબ જપ્ત કરવામાં આવ્યા છે. હીરા ઉદ્યોગપતિએ કસ્ટમ વિભાગને 1856 કેરેટ હીરા આયાત કરવાની માહિતી આપી હતી પરંતુ પાર્સલની તપાસ કરતા તેમાં 62,837 કેરેટ હીરા મળી આવ્યા હતા. મુંબઇ કસ્ટમ વિભાગ દ્વારા જપ્ત કર્યા બાદ તપાસ કરવામાં આવી છે. ખાસ કરીને હિરા 62,837 કેરેટના હતા, જ્યારે કંપની દ્વારા કસ્ટમ ક્લિયરન્સ માટે માત્ર 1854 કેરેટ દર્શાવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
કસ્ટમ વિભાગને આશંકા છે કે આ ઉદ્યોગપતિએ અગાઉ પણ ખોટી માહિતી આપીને હીરા આયાત કર્યા છે અને સ્થાનિક માર્કેટમાં વેચી દીધા છે. કસ્ટમ વિભાગને પ્રાથમિક જાણકારીમાં મળેલ પુરાવાઓના આધારે આ હીરા ઉદ્યોગપતિ પાસેથી કાચા હીરા ખરીદનાર અન્ય 12 ઉદ્યોગપતિઓને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. જો કે આ અંગે હીરા ઉદ્યોગપતિઓએ જણાવ્યું હતું કે કસ્ટમ વિભાગ અમને ખોટી રીતે પરેશાન કરવામાં આવી રહ્યા છે. વધુમાં તેઓએ કહ્યું હતું કે આયાત કરવામાં આવેલ હીરાનાં જરૂરી કાગળો પણ અમારી પાસે છે.