સુરત મહાનગર પાલિકા દ્વારા પ્લાસ્ટિકના કાગળના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 50 માઈક્રોનથી નીચેના કાગળો પ્રતિબંધિત હોવા છતાં કતારગામમાં આવેલા ગૃહ ઉદ્યોગમાં જથ્થો હોવાની બાતમીના આધારે પાલિકાએ રેડ કરી હતી. જેથી ઘટના સ્થળેથી પાલિકાને 220 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકના કાગળ મળી આવ્યા હતાં. જેથી 25 હજાર રૂપિયાનો દંડ કરી વહીવટી ખર્ચ વસૂલવામાં આવ્યો હતો.
માવાના કાગળો મળ્યા
નોર્થ ઝોન કતારગામ વિસ્તારમાં 50 માઈક્રોનથી નીચેના પ્રતિબિંધત પ્લાસ્ટીકના પાન માવાના કાગળોનાં ગોડાઉનની માહિતી મળતાં નાયબ આરોગ્ય અધિકારીના માર્ગદર્શનમાં આરોગ્ય નિરીક્ષક,સેનીટેશન સુપરવાઈઝરી સ્ટાફ દ્વારા સીધી દેખરેખ હેઠળ કતારગામ દરવાજા સ્થિત પટેલ ટ્રેડીંગ એન્ડ ગૃહ ઉદ્યોગ-પુરૂષોતમનગર સ્થળ રેડ કરવામાં આવી હતી. જેમાં પાલિકાની ટીમન ઘટના સ્થળેથી પ્રતિબંધિત પાન માવાના 50 માઈક્રોનથી નીચેની કક્ષાના પ્લાસ્ટીકના કાગળો કુલ 220 કિલો ગ્રામ સ્થળ પરથી જ જપ્ત કરવામાં આવ્યાં હતાં. સાથે દંડ પેટે 25 હજાર રૂપિયા પણ વસૂલવામાં આવ્યાં હતાં.
સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016 અંતર્ગત પ્લાસ્ટીકના કચરાનું નિયંત્રણ કરવા તેમજ સ્વચ્છ ભારત અભિયાનને સાર્થક કરવા માટે 50 માઈક્રોનથી નીચેના પ્લાસ્ટિકના કાગળો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
પાલિકા કાગળ ઓછા કરવા ભાર મુકે છે
પાલિકા દ્વારા કાગળનો ઉપયોગ ઓછો થાય તે માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. છાસવારે રેડ કરવામાં આવે છે. સાથે જ દૂધની કોથળીઓનો પણ વૈકલ્પિક ઉપયોગ થાય તે માટે સુમુલ ડેરી અને પાલિકા કમિશનર વચ્ચે ગુરૂવારના રોજ બેઠક યોજાઈ હતી. જેમાં સુમુલ ડેરીના સંચાલકો દ્વારા આગામી સમયમાં વૈકલ્પિક વ્યવસ્થાનું પ્રેજન્ટેશન કમિશનર સામે રજૂ કરવાની ખાતરી આપવામાં આવી હતી.