શહેરના મજુરા ગેટ વિસ્તારના કૈલાશ નગરમાં મધરાત્રે ચપ્પુના ઉપરાછાપરી 18થી વધુ ઘા ઝીંકી યુવાનની ઘાતકી હત્યા કરવાના કેસમાં અઠવાલાઇન્સ પોલીસે એક હત્યારાની ધરપકડ કરી છે. પિતરાઇ બહેન સાથે પ્રેમસંબંધ ધરાવતો હોવાથી યુવાનને રહેંસી નાંખ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જો કે હત્યા પાછળ પાંચ વર્ષ અગાઉના ઝઘડાની અદાવત પણ કારણભુત હોવાની ચર્ચા હોવાથી પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. મજુરા ગેટ વિસ્તારમાં આવેલા કૈલાશ નગરમાં સુરજી ભગતની વાડીમાં રહેતા જૈમિશ ઉર્ફે કિલી કિશોર પટેલ (ઉ.વ. 18)ને ગત મધરાત્રે જીગ્નેશ ઉર્ફે જીગી નામના યુવાને ફોન કરી ઘરની બહાર બોલાવ્યો હતો. જીગ્નેશનો ફોન આવતા જૈમિશ તેની માતાને સોડા પીવા જાવ છું એમ કહી ઘરેથી નીકળ્યો હતો. ત્યાર બાદ જીગ્નેશની સાથે આવનાર ચારથી પાંચ પૈકીના યુવાને પાછળથી ચપ્પુ વડે હુમલો કર્યો હતો. પોતાની પર થયેલા હુમલાથી ડરી જનાર જૈમિશ પોતાનો જીવ બચાવવા રસ્તા પર દોટ લગાવી હતી પરંતુ હુમલો કરનાર યુવાન તેની પાછળ દોડ્યો હતો અને ફિલ્મી સ્ટાઇલમાં કૈલાશ નગરના જાહેર રસ્તા પર વ્રજ બંગલો સામે ઉપરાછાપરી 18થી વધુ ઘા ઝીંકી હુમલો કરનાર ભાગી ગયો હતો. લોહીલુહાણ હાલતમાં જૈમિશને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો પરંતુ ટૂંકી સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું. હત્યાની આ ઘટનાના સીસીટીવી ફુટેજ સોશીયલ મિડીયામાં વાઇરલ થવાની સાથે પોલીસે તેના આધારે હત્યારાના રૂપમાં જીગ્નેશ ઉર્ફે જીગી મહેશ પટેલ (ઉ.વ. 29 રહે. પુષ્પકુંજ રો હાઉસ, રેડિયન્ટ સ્કુલ નજીક ઉગત કેનાલ રોડ)ની ધરપકડ કરી છે.