ન્યૂઝીલેન્ડમાં ક્રાઇસ્ટચર્ચની બે મસ્જિદમાં થયેલા આતંકી હુમલામાં સુરત જિલ્લાના રહીશ એવા બે યુવકોના મોત થતાં સ્થાનિક મુસ્લિમ સમાજમાં માતમ સાથે ભારે ચકચાર મચી ગઈ છે. મૃતકો પૈકી લુહારાના રહીશ હાફીઝ મુસા પટેલ ક્રાઈસ્ટચર્ચની મસ્જિદમાં મૌલવી તરીકે સેવા આપતાં હતાં. મોડી સાંજે નમાઝ વેળા આ જાહેરાત થતાં જ સમાજમાં શોકની કાલીમા સાથે માતમ છવાઈ જવા પામ્યું છે.
વિગતો મુજબ ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચની અલનૂર મસ્જિદ તેમજ લીનવૂડની લોટાકા મસ્જિદમાં થયેલા આતંકી હુમલાએ આખા વિશ્વને હચમચાવી નાંખ્યું છે. ચાલુ નમાઝ દરમિયાન આતંકીઓ દ્વારા ટ્વીટર એફ-બી ઉપર લાઇવ રેકોર્ડિંગ સાથે અંધાધુંધ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બ્રશ ફાયરિંગમાં 49ના મોત નિપજ્યા હતાં. આ ઘટનાએ આખા દુનિયાભરમાં હાહાકાર મચાવી દીધો હતો. મસ્જિદના ખૂણેખૂણામાં ફરી નમાઝીઓને ગોળી મારવાના દ્રશ્યો સોશિયલ મીડિયામાં જીવંત પ્રસારિત કરવાની આ માનસિકતા વધુ રાક્ષસી બની રહેવા પામી છે.
મસ્જિદમાં થયેલા હુમલામાં જે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો તેમાં સુરત જિલ્લાના લુહારા તેમજ તડકેશ્વરના બે લોકો આતંકી હુમલામાં ગોળીબારનું નિશાન બની પોતાની જીવ ગુમાવ્યો હતો.
સુરત જિલ્લાના તડકેશ્વરના રહીશ તેમજ દસ વર્ષથી ન્યુઝીલેન્ડમાં સ્થાયી થયેલા જુનેદ યુસુફ કારા (ઉ.વ.35) મસ્જિદમાં નમાઝ પઢવા માટે ગયા હતા. તેઓ અલ્લાહની ઇબાદતમાં મગ્ન હતાં ત્યારે જ ગોળી વાગી અને મોતને ભેટયા હતા. આ ઉપરાંત માંગરોલ તાલુકાના લુહારાના હાફીઝ મુસા પટેલ પણ હુમલાનો ભોગ બન્યા હતા. ક્રાઇસ્ટચર્ચની લોટાકા મસ્જિદમાં મૌલવી તરીક સેવા આપતાં હાફીઝ મુસા પટેલ પણ ઉપરોક્ત ફાયરિંગમાં શરીરના વિવિધ ભાગે ગોળીઓ વાગી અને તેમનું મોત થયું હતું. મસ્જિદમાં થયેલા હુમલામાં તડકેશ્વર તેમજ લુહારા ગામના યુવકોના મોત થયાની વાત માડી સાંજે બહાર આવી હતી.
આ હુમલામાં મૂળ વડોદરા આરીફ વોરા અને તેમના પુત્ર રમીઝ વોરા લાપતા થતા પરિવારના જીવ તાળવે ચોંટી ગયાં છે. વડોદરાના પાણીગેટ વિસ્તારમાં ધાનાની પાર્કમાં રહેતાં આસીફ મહંમદભાઇ વોરા (ઉં.58)ના પુત્ર રમીઝ વોરા (ઉં.28) અને તેમની પત્ની ખુશ્બુ થોડા વર્ષ અગાઉ ન્યૂઝીલેન્ડમાં સ્થાયી થયાં હતાં. રમીઝ વોરા ન્યૂઝીલેન્ડમાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ખુશ્બુ ગર્ભવતી હોવાથી આસીફભાઇ અને તેમની પત્ની રૂખસાના થોડા સમય પહેલાં ન્યૂઝીલેન્ડ ગયાં હતા. લગભગ 6 દિવસ અગાઉ જ ખુશ્બુએ બેબી ગર્લને જન્મ આપ્યો હતો. રૂખશાનાબેન ખુશ્બુ સાથે હોસ્પિટલમાં જ છે. આજે આસીફભાઇ અને પુત્ર રમીઝ ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચની મસ્જીદમાં શુક્રવારની નમાઝ અદા કરવા ગયાં હતાં. મસ્જિદમાં અચાનક આતંકવાદી હુમલો થયો જેમાં 49 લોકોના મોત થયાં છે. આતંકી હુમલા બાદ આરીફભાઇ અને રમીઝ બંને લાપતા થયાં હોવાનું જાણવા મળ્યું છે.
આ ગમખ્વાર ઘટનાને પગલે વડોદરામાં રહેતા આરીફભાઇના પરિવાર સહિત સગા-સંબંધીઓના જીવ પડીકે બંધાઈ જવા પામ્યા છે. હજુ સુધી લાપતા થયેલા પિતા-પુત્ર અંગે ન્યૂઝીલેન્ડની પોલીસે કોઈ આન્સર આપ્યો ન હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે.