વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવી રહ્યા છે ત્યારે સુરતના મહત્વકાંક્ષી પ્રોજેક્ટસના લોકાર્પણ અને ભૂમિપૂજનવિધિમાંથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની બાદબાકી કરી દેવામાં આવી છે. એરપોર્ટ પર લાગેલા પોસ્ટરમાં પણ નીતિન પટેલનો ફોટો ક્યાંય પણ જોવા મળી રહ્યો નથી.
વડાપ્રધાન મોદી આવતા હોય અને તેવામાં રાજ્યના નાયબ મુખ્યમંત્રીનું સમખાવા પુરતું પણ ક્યાંય નજરે પડતું ન હોય તેને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે. આ પહેલી વખત નથી કે નીતિન પટેલના નામની બાદબાકી કરવામાં આવી હોય. અગાઉ અનેક વખત નીતિન પટેલનું નામ કમી કરવામાં આવ્યું હતું અથવા તો ઈરાદાપૂર્વક તેમના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યું ન હતું.
સુરતના કાર્યક્રમમાં પણ નીતિન પટેલનું નામ જોવા નહીં મળતા ભાજપના નેતાઓ સૂમ મારી ગયા હતા. કોઈ કશું બોલવા તૈયાર ન હતું. પોસ્ટર પર પણ વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના નામ જોવા મળી રહ્યા હતા. ભાજપના સૂત્રોએ જાણકારી આપી હતી કે સુરતના કોઈ પણ કાર્યક્રમમાં નીતિન પટેલ અપેક્ષિત અથિતિ તરીકે પણ આવવાના નથી. તેમને કોઈ નિમંત્રણ આપવામાં આવ્યું નથી. ભાજપના નેતાઓ ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી વ્યસ્ત હોવાનું જણાવે છે પરંતુ સુરતમાં એક નહીં અનેક મહત્વકાંક્ષી પ્રોજેક્ટના લોકાર્પણ સહિતના કાર્યક્રમો થતા હોય ત્યારે નામ પુરતી પણ નીતિન પટેલની હાજરી વર્તાઈ રહી નથી.
સુરતમાં પીએમ મોદી 1958 કરોડના પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. સુરત મહાપાલિકાના કમિશનર એમ.થેન્નારાસેને કહ્યું કે 421 કરોડના પ્રોજેક્ટોનુ લોકાર્પણ કરવામાં આવનાર છે અને 636 કરોડના પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરાશે.
આ ઉપરાંત વડાપ્રધાન 354 કરોડના એરપોર્ટ ટર્મિનલના વિસ્તરણનું ભૂમિપૂજન કરવાના છે. 40 કરોડના ખર્ચે બનેલી સ્વૈચ્છિક ટ્રસ્ટ સંચાલિત વિનસ હોસ્પિટલનુ લોકાર્પણ કરશે. 150 કરોડના ખર્ચે બનેલા દાંડીમાં નમક સત્યાગ્રહ સ્મારકને ખુલ્લો મુકવાના છે.
એરપોર્ટની ક્રેડીટ લેવા ભાજપીઓમાં હોડ જામેલી જોવા મળી રહી છે. ભારે બંદોબસ્તને કારણે લોકોને અડચણ થઈ રહી હોવાની પણ ફરીયાદ ઉઠવા પામી હતી. જ્યારે બીજી તરફ વિરોધની સંભાવનાને પગલે કોંગ્રેસ અને પાસના કેટલાક આગેવાનોએ પોલીસે રાત્રે અટકાયતમાં લીધા હોવાની માહિતી જાણવા મળી રહી છે.