મહાપાલિકામાં ટેન્ડર સ્ક્રૂટિની કમિટીની મળેલી બેઠકમાં શહેરના જુદા-જુદા વિસ્તારના 30 રસ્તાઓને ડામરના નવા સાકાર કરવા તેમ જ ટ્રેન્ચ રિપેરિંગ મરમ્મત કરવા માટે ટેન્ડર મંજૂર કરવામાં આવ્યાં છે. ડિફેક્ટસ લાયબિલિટી પિરિયડમાં જ શહેરભરમાં ચોમાસામાં ભારે વરસાદને પગલે સંખ્યાબંધ રસ્તાઓનું ધોવાણ થઈ ગયું હતું અને શહેરના મોટા ભાગના રસ્તાઓ ચંદ્રલોકની ધરતી સમાન બની જતાં લોકોએ પારાવાર પરેશાની સહન કરવાનો વખત આવ્યો. પાલિકાએ હોટમિક્સ મટીરિયલ્સ થકી રસ્તાઓ પર થાગડથીંગડ કર્યું હતું. વરસાદમાં ધોવાઈ જતાં જૈસે થૈ સ્થિતિ રહેતાં અનેક રજૂઆતો બાદ લોકોમાં રોષ ભભૂક્યો હતો. વરસાદ અટક્યા બાદ તાત્કાલિક મુખ્ય રસ્તાઓનું રિપેરિંગ કાર્ય કરી દીધું હતું. હવે શહેરના અઠવા-કતારગામ-રાંદેર-વરાછા-ઉધનામાં ચાર ચાર રસ્તાઓ, લિંબાયતમાં છ રસ્તા-સેન્ટ્રલ ઝોનમાં ત્રણ મળી કુલ 30 જેટલા 24 મીટરથી પહોળા રસ્તાઓ નવા બનાવવા-સ્ટ્રેચ રિપેરિંગ માટે ટીએસસીમાં નિર્ણય કરવામાં આવ્યો છે. આ રસ્તાઓ પાછળ 180 કરોડ જેટલો ખર્ચ થશે.
ગયા વર્ષ કરતાં નીચા ભાવે ટેન્ડર મંજૂર કરાતાં પાલિકાને લાભ
ટેન્ડર સ્ક્રૂટિની કમિટીની બેઠકમાં 80 ફૂટથી ઓછી પહોળાઈના રસ્તા માટે 20.50 ટકા ઊંચું, સોસાયટી અને સ્ટ્રેન્ચ રિપેરિંગના કામ માટે 21 ટકા ઊંચા ભાવનું તથા 80 ફૂટથી વધુ પહોળાઈના રસ્તા માટે 19.50 ટકા ઊંચા ભાવનાં ટેન્ડરોને મંજૂર કરાયા છે. માર્કેટ રેટ પ્રમાણે ભાવ ઊંચા છે પરંતુ ગયા વર્ષે 25 ટકા ઊંચા ભાવે ટેન્ડરો આવ્યાં હતાં. તેની સામે આ વખતે આવેલાં ટેન્ડરો નીચાં છે.
રસ્તા માટે 50 કરોડની ગ્રાંટ સરકાર ફાળવશેઃ વરસાદમાં શહેરના રસ્તાઓને વ્યાપક નુકસાન થયું હતું. ભારે વરસાદના કારણે રાજ્યના મોટા શહેરના રસ્તાઓને નુકસાની થઈ હોઈ મુખ્યમંત્રીએ રસ્તા માટે જુદા-જુદા શહેરોને ગ્રાંટ ફાળવવા જાહેરાત કરી હતી. આ રસ્તા નિર્માણ માટે રાજ્ય સરકારની 50 કરોડની ગ્રાંટ મળશે.
વિજિલન્સ તપાસમાં ડીએલપીના 42 રસ્તાઓને નુકસાન થયું હતું
ખરાબ રસ્તાઓ પગલે વિજિલન્સ તપાસ સોંપાઈ હતી તેમાં, ડિફેક્ટસ લાયબિલિટી પિરિયર્ડના મહત્ત્વના કુલ 42 રસ્તાઓને નુકસાન થયું હોવાનું બહાર આવ્યું હતું. કમિશનરે આ રસ્તાઓનું રિપેરિંગ કામ જે-તે ઈજારદાર પાસે જ કરાવવા માટે અગાઉ આદેશ આપ્યો હતો.
TSC બેઠકમાં 30 રસ્તા સાકાર કરવા નિર્ણય
પાલિકા કમિશનર સહિતના અધિકારીઓ સાથે ટેન્ડર સ્ક્રૂટિની કમિટીની મળેલી બેઠકમાં શહેરના મોટા ભાગના તમામ મહત્ત્વના રસ્તાઓને આવરી લેવામાં આવ્યા છે. સાથે જ કેટલીક સોસાયટીના આંતરિક રસ્તાઓ પણ બનાવવા મંજૂરી આપવામાં આવી છે. આ રસ્તાઓમાં-લિંબાયત ઝોનમાં 24 મીટર અને તેથી વધુ પહોળા રસ્તાઓ, લિંબાયતમાં ટી.પી. 41, 61 અને 69ના સબઝોન-બીમાં 24 મીટરથી ઓછી પહોળાઈના રસ્તાઓ, ટી.પી. સ્કીમ 7, 8, 19, 33, 34, 40 અને 64ની સોસાયટીઓના રસ્તાઓ અને ટ્રેન્ચ લાઇનને ટોપ વેરિંગ લેયર સુધી રસ્તો તથા ટી.પી. સ્કીમ 61ની સોસાયટીઓના રસ્તા તથા અઠવા-કતારગામ-રાંદેર-ઉધના, વરાછા-એ-બી ઝોનમાં 24 મીટરથી વધુ પહોળા મળી જુદા-જુદા કુલ 30 જેટલા રસ્તાઓ નવા બનાવવામાં આવશે.