પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરીયાની જામીન મૂક્તિની માંગ સાથે સુરતમાં પાછલા 10 દિવસથી આમરણ ઉપવાસ પર બેસેલા PAASના કન્વીનર ધાર્મિક માલવિયા અને નિકુંજ કાકડીયાની ઉપવાસ છાવણીની મુલાકાતે ભાજપના મહિલા અગ્રણી અને આખાબોલા નેતા રેશ્મા પટેલ આવ્યા હતા. રેશ્મા પટેલે સંજીવની હનુમાનજી મંદિર, રુક્ષમણી સોસાયટીની વાડી, નાના વરાછા ઢાળ,અલ્પેશ કથીરિયાના ઘરની સામે,સુરત ખાતેની ઉપવાસી છાવણીની મુલાકાત લીધી હતી.
રેશ્મા પટેલે કહ્યું કે અલ્પેશ કથીરિયાની જેલમુક્તિ માટે પાટીદાર સમાજના બે યુવાનો ઉપવાસ કરી રહ્યા છે, ત્યારે અફસોસ સાથે કહેવું પડે છે કે સમાજના પ્રશ્નોને સમાધાન મળશે એવી આશા સાથે સરકાર તરફ કુણું વલણ કરી ભાજપમાં જોડાયા હતા પણ છેલ્લે સુધી સરકારે કુણું વલણ દાખવ્યું નથી. સરકારે સામે મજબૂતીથી લડત ચલાવવા માટે રેશ્મા પટેલે પોતાની વાત દોહરાવી હતી.
રેશ્મા પટેલે કહ્યું કે ભાજપ સરકારે આપેલા વચનો તો પુરા ન કર્યા ઉલ્ટાનું આંદોલનકારીઓની મુસીબતો જાણી જોઈને વધારતા ગયા છે. કાયદાકીય આંટીઘૂંટીમાં અલ્પેશ કથીરીયને ફસાવી ફરી એક વાર ભાજપ સરકારે તાનાશહી બતાવી છે. હું ભાજપની હિટલરશાહી માનસિકતાનો વિરોધ કરું છું અને હું હંમેશા સમાજની પીડા સાથે ઉભી છું, સરકારનો આન-બાન-શાનથી વિરોધ કરવામાં આવશે.