ભાવનગર જિલ્લાના જેસર મહુવા તાલુકાના પાટીદાર સમાજે 6 જાન્યુઆરીના રોજ સુરતના સીમાડા વિસ્તારમાં સ્નેહમિલન કાર્યક્રમ યોજ્યો હતો. સુરતના જોઈન્ટ પોલીસ કમિશરનો વીડિયો વાયરલ થયા બાદ આજે પાટીદાર અનામત આંદોલન સમિતિના નેજા હેઠળ સુરતના પોલીસ કમિશનર સતીશ શર્માને આવેદનપત્ર આપી હરેકૃષ્ણ પટેલ વિરુદ્વ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. ભાવનગરમાં આયોજિત કાર્યક્રમમાં હરેકૃષ્ણ પટેલે કરેલા ભાષણનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં હરેકૃષ્ણ પટેલે કહ્યું કે, અન્ય સમાજોમાં પાટીદારો પ્રત્યે સમ્માન ઘટ્યું છે. હરેકૃષ્ણ પટેલે વીડિયોમાં કહ્યું, “સમાજમાં 200 જેટલા યુવા નેતાઓની સ્થિતિ અફઘાનિસ્તાન અને જમ્મુ-કાશ્મીરમાં પ્રોક્સીવોર લડી રહેલા લોકો જેવી છે. આ યુવાનો બેરોજગાર છે અને રાજકીય ઈરાદા ધરાવતા લોકોના પેઈડ એજન્ટ બન્યા છે.”
જોઈન્ટ પોલીસ કમિશનર (JCP) હરેકૃષ્ણ પટેલનો એક વીડિયો રવિવારે વાયરલ થયો. વીડિયોમાં હરેકૃષ્ણ પટેલ પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ના યુવા નેતાઓ અંગે વિવાદસ્પદ ટિપ્પણી કરતા જોવા મળ્યા. અમરેલી જિલ્લાના પાટીદાર હરેકૃષ્ણ પટેલે પાટીદારોને કાયદાનો ભંગ કરતાં લોકોનો સાથ ન આપવાની સલાહ આપી. JCP પટેલે સરથાણા પોલીસ સ્ટેશનની એક ઘટના ટાંકતા સમર્થન માટે પહોંચેલા કેટલાક પાટીદાર અનામત આંદોલનના નેતાઓને ગુંડા ગણાવ્યા.
હરેકૃષ્ણ પટેલે વીડિયોમાં કહ્યું, “હું કાર્યક્રમમાં મોડો પહોંચ્યો કારણકે રંગરેલીયા મનાવતો હતો. આ હું તમને એટલા માટે કહું છું કારણકે કોઈ સોશિયલ મીડિયા પર આ મૂકે અને તમે તેને સાચું માનો તેના બદલે હું જ સામેથી જણાવી દઉં.” શહેર પોલીસે રાજદ્રોહ કેસમાં પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાના જામીન રદ કરવા માટે કોર્ટમાં અરજી કરી તેના થોડા દિવસ પહેલા અલ્પેશે પ્રેસ કોન્ફરંસ સંબોધી હતી જેમાં જેસીપી પટેલ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. આ વાત ટાંકીને જેસીપી કાર્યક્રમમાં આ પ્રકારનું નિવેદન આપ્યું હતું.
PAASના કન્વીનર ધાર્મિક માલવિયા સહિત અન્ય પાટીદાર યુવાનોએ એકત્ર થઈ પોલીસ કમિશનરને આપેલા આવેદનપત્રમાં હરેકૃષ્ણ પટેલને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. હરેકૃષ્ણ પટેલે વિવાદાસ્પદ નિવેદન કરતા વિવાદ ઉભો તયો છે. ધાર્મિક માલવિયાએ કહ્યું કે હરેકૃષ્ણ પટેલ માહોલ ડહોળી રહ્યા છે અને યુવાનો અંગે એલફેલ ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે જે એક પોલીસ અધિકારીને શોભે તેમ નથી. આંદોલનકારીઓની લાગણી દુભાતા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. હરેકૃષ્ણ પટેલે આંદોલનકારીઓની સરખાણી નક્સલીઓ સાથે કરતા વિવાદ વકરતો દેખાઈ રહ્યો છે.