જાહેરમાં કચરો સળગાવવા પર પ્રતિબંધ હોવા છતાં સરકારી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં જિલ્લા ક્ષય કેન્દ્રની સામે આજે સવારે કચરો સળગાવતા નીકળેલા ધુમાડાના પગલે ટીબીના દર્દી, અન્ય દર્દી અને તેમના સંબંધીઓને તકલીફ પડી હોવાનું જાણવા મળ્યું હતું. પ્રાપ્ત વિગત મુજબ નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલા જિલ્લા ક્ષય કેન્દ્ર બહાર કેટલાક સમયથી જાડી જાખરા અને ઝાડના પાનનો સૂકો કચરો સહિતના કચરાનો ઢગલો પડેલો હતો. જોકે આ કચરાના ઢગલાને કોઈ લઈ જતું ન હતું. આખરે આજે સવારે કચરાના ઢગલાને સળગાવી દીધો હોવાથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા હતા. આ ધુમાડો સિવિલ હોસ્પિટલના સ્પેશિયલ રૂમ તરફ અને રોડ પર ફેલાઈ રહ્યો હતો. જેને લીધે ટીબીના દર્દી, અન્ય દર્દીઓ તથા તેમના સબંધીઓ અને ત્યાંથી પસાર થતાં વ્યક્તિઓને તકલીફ પડી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
નોંધનીય છે કે કચરો સળગાવવાથી નીકળેલા ધુમાડાને લીધે શ્વાસના દર્દીઓને તકલીફ પડે છે અને ધુમાડાના લીધે શ્વાસના દર્દીઓની સંખ્યામાં પણ વધારો થતો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે જાહેરમાં કચરો સળગાવવા પર સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેવા સમયે સરકારની સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં કચરો સળગાવતા દર્દી સહિતના વ્યક્તિઓને હાલાકી પડી હોવાનું જાણવા મળે છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી ડૉક્ટર આશિષ નાયકે જણાવ્યુ હતુ કે કચરો સળગાવ્યા અંગે તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે.