અડાજણ વિસ્તારમાં ધો.8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીના ક્લાસમેટ સાથેના ફોટા પાડી માતાને બતાવીશ એમ કહી બ્લેકમેલ કરી જબરજસ્તી પોતાની કારમાં બેસાડી કાપડના વેપારીએ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. અડાજણ પોલીસે કપડા વેપારીની ધરપકડ કરી છે.
અડાજણ વિસ્તારમાં રહેતી અને ધો.8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની શનિવારે બપોરના અરસામાં એલ.પી. સવાણી વિસ્તારમાં તેના કલાસમેટ સાથે ઉભી રહીને વાત કરી રહી હતી. ત્યારે ત્યાંથી પસાર થતા વિદ્યાર્થિનીના જુના પડોશી હરીશ નારસિંગ માલવીયા (ઉ.વ.34 રહે. પંકજનગર સોસાયટી, પાલનપુર જકાતનાકા)એ વિદ્યાર્થિની અને તેના કલાસમેટના ફોટા મોબાઇલમાં પાડી લીધા હતા. ત્યાર બાદ વિદ્યાર્થિનીને ફોન કરીને બોલાવી હતી અને મોબાઇલમાં કલીક કરેલા ફોટા બતાવી પોતાની કારમાં બેસાડવાનો પ્રયાસ કર્યો હતો.
હરીશે વિદ્યાર્થિનીને ધમકી આપી કે, જો કારમાં નહીં બેસે તો ફોટા તેની માતાને બતાવી દઇશ. આમ બ્લેકમેલ કરી જબરજસ્તીથી વિદ્યાર્થિનીને કારમાં બેસાડી અજ્ઞાાત સ્થળે લઇ જઇ દુષ્કર્મનો પ્રયાસ કરવા સાથે છેડતી કરી હતી. જુના પડોશી દ્વારા બદઇરાદે કરવામાં આવેલા કૃત્યથી વિદ્યાર્થિની દંગ રહી ગઇ હતી અને આ અંગે માતાને સમગ્ર બાબતની જાણ કરી હતી. જેથી વિદ્યાર્થિનીની માતાએ હરીશ વિરૃધ્ધ અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. અડાજણના પોસઇ એસ.વી. ચૌધરીએ હરીશની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે હરીશ અડાજણ આનંદ મહલ રોડ સ્થિત પ્રાઇમ આર્કેડમાં કપડાની દુકાન ધરાવે છે.