જેને બહેન કહીને બોલાવતો હતો તેની સાથે જ આડા સંબંધ રાખનાર હમવતની મિત્રને ઠપકો આપતા હમવતનીએ ઠપકો આપનાર મિત્રને પટ્ટા વડે માર મારી અને લૂંટ ચલાવી હતી. ભેસ્તાન વૃદાવન સોસાયટીમાં રહેતા મૂળ હરિયાણાનો ૩૦ વર્ષીય પ્રદિપ કરણસિંહ સુરા ભારત પેટ્રોલીયમમાં મેન્ટેનન્સ વિભાગમાં નોકરી કરે છે. તેણે લગાવેલા આક્ષેપ મુજબ ગત રાત્રે તે તેના અન્ય મિત્રો સાથે સુતો હતો.
મધરાત્રે તેના હમવતની મિત્ર વીરેન્દ્રએ ૧૦થી ૧૫ જણા સાથે ઘરમાં ઘૂસી પટ્ટા વડે માર માર્યો હતો. બચાવવા આવેલા બે સાથી મિત્રોને પણ ડરાવી ધમકાવી પ્રદિપનાં ગળામાંથી ચાંદીની ચેઇન, બે કિંમતી મોબાઈલ અને રોકડ અને આધાર કાર્ડ, પાન કાર્ડ જેવા ઓળખ પુરાવા વાળું પર્સ પણ લઈ ગયો હતો.
આ બાબતે પાંડેસરા પોલીસને જાણ કરાયા બાદ તેમને સારવાર માટે સિવિલ લવાયા હતા. સિવિલમાં દાખલ પ્રદિપે કહ્યુ કે વિરેન્દ્ર અને તે સારા મિત્ર હતા. અમે જેને બહેન કહેતા હતા એ મહિલા સાથે વિરેન્દ્રના અનૈતિક સંબંધ હોવાનું ધ્યાને આવતા વાત મેં એને ઠપકો આપ્યો હતો અને જેની અદાવત રાખીને તેણે માર માર્યો હતો.