સુરત વેડ રોડ પર આવેલી દુકાનમાં દુકાનદાર દ્વારા શર્ટનું પેકિંગ ચેક કરવાની માંગણી કરતાં શર્ટ ન અપાતા પોલીસમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. પોલીસે દુકાનદારને ચાર-પાંચ વાર થપ્પડ માર્યા બાદ ચોકબજાર પોલીસમાં જમાદાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ઘોડદોડ રોડ સ્થિત પેગોડા એપાર્ટમેન્ટમાં રહેતા વિવેક દિનેશ જૈન વેડ રોડ સ્થિત સંત જલારામ સોસાયટીમાં ઈવા એન્ટરપ્રાઈઝના નામે રેડીમેડ કપડાનો વેપાર કરે છે. ચોકબજાર પોલીસનો ડી-સ્ટાફ 10 દિવસ પહેલા તેની દુકાને કપડાં લેવા ગયો હતો. કપાળે તિલક લગાવીને આવેલા ડી-સ્ટાફના પરેશ જમાદારે પોલીસ હોવાની ઓળખ આપી વિવેકભાઈને શર્ટ જોવા કહ્યું હતું. ત્યાં કામ કરતા કારીગર સનોજે પરેશ મહારાજને ચાર-પાંચ શર્ટ બતાવ્યા.
દરમિયાન પરેશ મહારાજે પેક્ડ શર્ટ માંગ્યો હતો. સનોજે બહાર કાઢેલા અન્ય શર્ટ ચેક કરવાનું કહેતાં, પોલીસ કોન્સ્ટેબલ પરેશ મહારાજ ગુસ્સે થઈ ગયા અને સનોજને અપશબ્દો બોલવા લાગ્યા. થોડા સમય બાદ વેપારી વિવેક જૈન પોતે આવ્યા હતા અને પોલીસ કોન્સ્ટેબલ પરેશ મહારાજને સમજાવવાનો પ્રયાસ કરતાં પોલીસે વિવેક જૈનને ચાર-પાંચ વાર માર માર્યો હતો. બચાવમાં વચ્ચે પડેલા સનોજને પણ માર મારવામાં આવ્યો હતો.
વિવેક જૈને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના અંગત મદદનીશ જયેશભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી અને ઘટનાની જાણ કરી હતી. આ અંગે પોલીસ કમિશ્નરને પણ ફરિયાદ કરવામાં આવી હતી. આ મામલો ગૃહ વિભાગ તરફથી આવ્યો હતો અને અંતે ચોકબજાર પોલીસના ડી-સ્ટાફ પરેશ મહારાજ વિરુદ્ધ હુમલાનો કેસ નોંધવામાં આવ્યો હતો.