પોલીસનો ડર બતાવીને બાળકને ચુપ કરી દેનારા માતાપિતાને વિચારતા કરી દે એવો કિસ્સો બાપુનગરમાં બન્યો છે. દાદા સાથે રમતો ત્રણ વર્ષનો પૌત્ર અચાનક ગુમ થઈ ગયો હતો. રોડ પર રડી રહેલા બાળકને પોલીસ સ્ટેશન લાવીને તેનો ફોટો વોટ્સએપ પર વાઈરલ કરાયો હતો. જેને આધારે બાળકના દાદાએ પોલીસનો સંપર્ક કરતા પોલીસ અને બાળકના પરિવારે હાશકારો અનુભવ્યો હતો.
આ બનાવની વિગત મુજબ બાપુનગરમાં શ્યામશિખર ઓપાર્ટમેન્ટ પાસે ત્રણ વર્ષનો બાળક રડતા રડતા રસ્તો ઓળંગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. અહીં ફરજ બજાવતી પોલીસ પરિવારથી વિખુટા પડી ગયેલા બાળકને લઈને બીપુનગર પોલીસ સ્ટેશન આવી હતી. જોકે ગભરાયેલો હોવાથી તે કંઈ બોલતો ન હતો. આથી મહિલા પોલીસે તેને વ્હાલથી બિસ્કીટ અને ચોકલેટ આપતા તે રમવા લાગ્યો હતો.
બીજીતરફ પોલીસે બાળકનો ફોટો સોશિયલ મિડીયા પર વાઈરલ કરીને કોઈને જાણ થાય તો પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું. દરમિયાન બાળકના પિતાના એક મિત્રએ ફોટો જોઈને તેને ઓળખી લીધો હતો. આ બાળક બાપુનગરમાં ઈન્ડીયા કોલોનીમાં સુરજીત સોસાયટીમાં રહેતા તેના મિત્રનો દિકરો અવિચલ પંચાલ હોવાની જાણ થતા જ તેણે મિત્રને તેનો દિકરો ગુમ થયાની જાણ કરી હતી. અવિચલના પિતાએ તેના પિતા ભરતભાઈ પંચાલને જાણ કરી હતી. અવિચલના દાદા ભરતભાઈ પણ પૌત્રને શોધી રહ્યા હતા. તે સમયે પોલીસ પણ અવિચલના ફોટા સાથે સોસાયટીમાં તપાસ કરતી હતી ત્યારે તેના દાદા મળી આવ્યા હતા.પોલીસના જણાવ્યા મુજબ ભરતભાઈ પૌત્ર અવિચલ સાથે સવારે ઈસ્ત્રીના કપડા લેવા ગયા હતા. બાદમાં તેને ઘરે મુકીને કામથી બહાર ગયા હતા. તે સમયે રમતા રમતા અવિચલ ઘરની બહાર નીકળી ગયો હતો અને ભુલો પડયો હતો.