સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગયા અઠવાડિયાથી ચોમાસાએ દસ્તક આપી છે. છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ લીધા બાદ આગામી 23 જૂન બાદ ફરી વરસાદ ધમાકેદાર એન્ટ્રી કરે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં ડેવલોપ થયેલી લો-પ્રેશર સિસ્ટમ ગુજરાત તરફ આવવાની જગ્યાએ ઉત્તર પ્રદેશ તરફ મુવ થઈ હતી. જેને કારણે દક્ષિણ ગુજરાતમાં મોનસૂન ઓનસેટ તો થયું પણ જોઈએ તેવો વરસાદ આપી શક્યું નથી. છેલ્લા બે દિવસથી વરસાદે સદંતર વિરામ લીધો છે. શહેરમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા નોંધાયા છે.
પણ હવે 23 જૂન બાદ ફરી વરસાદ ધમાકેદાર એન્ટ્રી કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ તરફની લો પ્રેશર સિસ્ટમ વધુ મજબૂત બની મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના વિસ્તારોને કવર કરશે. જેને કારણે 23 જૂન બાદ ફરી વરસાદનું આગમન થશે. વિતેલા ૨૪ કલાકમાં સુરત શહેર અને જિલ્લામાં ક્યાય પણ નોંધપાત્ર વરસાદ પડ્યો નહોતો. જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા.
જૂનના અંતમાં ઉકાઈમાં પાણીનો મોટો જથ્થો આવે તેવી સંભાવના. તંત્રએ એલર્ટ રહેવાની જરૂરીયાત
જૂન મહિનાના અંતમાં ઉકાઈ ડેમમાં નવા નીર આવશે. ઉકાઈ ડેમમાં આ વખતે ભરપૂર પાણી છે. જૂન મહિનાના અંતિમ દિવસોમાં ઉકાઈ ડેમમાં પાણીનો મોટો સ્ત્રોત આવે તેવી સંભાવના નકારી શકાય નહીં. હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ તરફથી લો-પ્રેશર મધ્યપ્રદેશ તરફ મુવ થઈ રહી હોવાની આગાહી કરી છે. આ સંજોગોમાં મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર બોર્ડર અને ગુજરાતમાં વરસાદ ધમધમાટી બોલાવી શકે છે. જેને પગલે ઉકાઈ ડેમમાં પાણીનો મોટો સ્ત્રોત આવી શકે છે. જેને લઇ તંત્રએ વધુ એલર્ટ રહેવાની જરૂર પડશે.