સુરતના ઉમરા પોલીસ મથકે ત્રીસ લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ ટેલેન્ટ એરા નામની ખાનગી કંપની સામે નોંધાઈ છે.કંપની દ્વારા કર્ણાટક ખાતે MBBSમાં એડમિશન અપાવવાની લાલચ આપી આ છેતરપિંડી આચરવામાં આવી છે.જ્યાં એડમીશન નહીં અપાવી રાતોરાત ઓફીસને તાળા મારી સંચાલકો રફુચક્કર થઈ ગયા છે. જે અંગે ભોગ બનનારની ફરીયાદ લઈ ઉમરા પોલીસે તપાશ શરૂ કરી છે.શહેરના ડુમસ મગદલ્લા રોડ પર આવેલા લક્ઝરીયા બિલ્ડીંગના છઠ્ઠા માળે 605 નંબરમાં ટેલેન્ટ એરા નામની ખાનગી કંપનીની ઓફીસ આવેલી છે. જ્યાં લોકોને વિવિધ સંસ્થાઓમાં એડમિશન અપાવાની જાહેરાત કરાતી હતી.
વિવિધ સંસ્થાઓમાં એડમિશન અપાવાની જાહેરાત જોઈ રાજસ્થાન પરિવારે પોતાની દીકરીને MBBSમાં એડમિશન અપાવવા ટેલેન્ટ એરા નામની કંપનીનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો. કંપનીના બે સંચાલકો દ્વારા કર્ણાટકની વેહદી મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે MBBSમાં એડમિશન અપાવાની ખાતરી આપી ટુકડે ટુકડે રૂપિયા 30 લાખ જેટલી જંગી રકમ ફરિયાદી પાસેથી કઢાવી લીધી હતી.
લાખો રૂપિયા આપ્યાના એક મહિના બાદ પણ એડમીશન નહી મળતા છેતરપિંડીનો ભોગ બન્યાનો હોવાનો અહેસાસ ફરિયાદીને થયો હતો.જ્યાં રૂપિયા પરત માંગતા લેભાગુ કંપનીના સંચાલકો દ્વારા તેઓને ચેક આપવામાં આવ્યા હતા. પરંતુ અપૂરતા ભંડોળના કારણે શેરા સાથે ચેક પણ બાઉન્સ થયા હતા.તેમ છતાં અવારનવાર ઉઘરાણી કરવા છતાં ફરિયાદીને પોતાના રૂપિયા લેભાગુ કંપનીએ ચૂકવ્યા ન હતા.જ્યાં આખરે ફરિયાદીએ ઉમરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ઉમરા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા ઓફીસને તાળા મારેલા જોવા મળ્યા હતા.