રાજકોટ : દુષ્કર્મની ઘટનાઓ દરરોજ બનતી રહે છે ત્યારે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. સિવિલ હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં બુધવારના રોજ દાખલ થયેલી 58 વર્ષીય પ્રોઢાએ પોતાના સગાને ફોન કરીને પોતાની સાથે કોઈ વ્યક્તિએ બળાત્કાર ગુજાર્યો હોવાનું જણાવ્યું હતું. પરિવારજનોને જાણ થતાં પરિવારજનો તાત્કાલિક અસરથી હોસ્પિટલ પહોંચ્યા હતા તેમજ પ્રદ્યુમન નગર પોલીસ મથક ખાતે પહોંચી સમગ્ર મામલે રજૂઆત પણ કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર મીડિયા સાથેની વાતચીતમાં પોતાના એક સગાએ જણાવ્યું હતું કે, બુધવારના રોજ વહેલી સવારે અમારા પરીજનને સારવાર અર્થે કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનું ઓક્સિજન લેવલ ઓછુ હોવાથી તેમની તાત્કાલિક અસરથી સારવાર શરૂ કરવામાં આવી હતી પરંતુ તેમનો કોઈ રિપોર્ટ નેગેટીવ આવતા તેમને બીજા વોર્ડમાં શિફ્ટ કરવાના હતા. તે દરમિયાન સવારે અમારા પરિજનોને અમને ફોન કરીને કહ્યું હતું કે રાત્રીના સમયે તેમની સાથે કોઇ વ્યક્તિએ બળાત્કાર ગુજાર્યો છે.
આ પ્રકારનો ફોન આવતા પ્રોઢાના પરિજનો તાત્કાલિક અસરથી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. સમગ્ર મામલે પરિજનો દ્વારા સિવિલ હોસ્પિટલ તંત્રને રજૂઆત કરવામાં આવી હતી. તો સાથે જ સમગ્ર મામલે પ્રદ્યુમન નગર પોલીસ મથકમાં પણ આ મામલે રજૂઆત કરવામાં આવતાં તાત્કાલિક અસરથી પોલીસ પણ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. ત્યાર બાદ મહિલાનું કાઉન્સિલિંગ પણ કરવામાં આવ્યું હતું.
પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવ્યા હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. બળાત્કારનો આક્ષેપ કરતી મહિલા જે જગ્યાએ દાખલ હતી તેની આજુબાજુમાં પણ બીજા દર્દીઓ દાખલ હતા. વોર્ડમાં કર્મચારી પણ હાજર હતા. ત્યારે કોઈ વ્યક્તિ કઈ રીતે મહિલા સાથે દુષ્કર્મ આચરી શકે તે અંગે અનેક શંકા સેવાઈ રહેલી છે. ત્યારે આખરે પોલીસ તપાસમાં સાચું શું સામે આવે છે તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.