ઉત્તરાખંડના પહાડોમાં યોજાયેલી અલ્ટ્રા ટ્રેઈલ દોડ સ્પર્ધામાં સુરતના ખ્યાતિ પટેલ 44 કલાક 59 મિનિટમાં 220 કિમી રેસ પૂરી કરી અલ્ટ્રા ટ્રેઈલ દોડ પુરી કરનાર ગુજરાતના પ્રથમ અને ભારતના બીજા મહિલા બન્યા છે. આ રેસમાં સમગ્ર ભારતમાંથી 8 દોડવીરોએ ભાગ લીધો હતો તેમજ સુરતમાંથી વિવિધ કેટેગરીમાં ચિંતન ચંદારણા, ડો.આશિષ કાપડિયા, હર્ષિલ દેસાઈ, ડો.જીગ્નેશ પટેલ અને ડો.સંકેત પટેલે ભાગ લીધો હતો. ખ્યાતિ પટેલે 220 કિમી કેટેગરીમાં ભાગ લીધો હતો.
રેસમાં વચ્ચે ઊંઘવાનો સમય મળતો નથી
આ રેસ 48 કલાકમાં પૂર્ણ કરવાની હોય છે. 44 કલાક 59 મિનિટમાં પૂર્ણ કરી હતી. આ રેસ કરવાથી તેના પોઈન્ટ ફ્રાન્સમાં વૈશ્વિક સ્તરે યોજાતી યુટીએમબી રેસમાં સ્થાન મળે છે. આ રેસમાં ભાગ લેતા પહેલા 160 કિમીની રેસ પૂર્ણ કરેલ હોવી જોઈએ. આ રેસ જંગલ અને પહાડોમાં હોય છે. જંગલોમાં આખી રાત સતત દોડવાનું હોય છે. જ્યારે મેં દિવસે દોડવાનું શરૂ કર્યુ ત્યારે ખૂબ ગરમી હતી. જંગલોમાં વરસાદ પણ આવતો કોઈકવાર, વચ્ચે વચ્ચે નદીઓ પણ આવતી અને વરસાદ બંધ થાય તો ફરીથી તાપમાન વધી જતુ હતુ. તેમજ રાત્રે તાપમાન એકદમ ઘટી જતું. 5 ડિગ્રી જેટલુ થઈ જતું હતું. આ રેસમાં વચ્ચે ઊંઘવાનો સમય મળતો નથી.
45 કલાકે પણ હસ્તા હસ્તા જ રેસ પૂર્ણ કરી
સતત 48 કલાક દોડવાનું હોય છે. જેમાં મે 10-10 મિનિટના બે બ્રેક અને 30-30 મિનિટના બે બ્રેક લીધા હતા. આ રીતે 45 કલાકમાં ફકત ચાર બ્રેક લીધા હતા. આખી રેસ દરમિયાન મને કોઈ મોટી મુશ્કેલી આવી ન હતી. રેસ પત્યા પછી 45 કલાકે પણ મેં હસ્તા હસ્તા જ રેસ પૂર્ણ કરી હતી. આખી રેસ દરમિયાન બે સભ્યોની ટીમ સાથે હોય છે. તેઓ ખાવાનું ધ્યાન અને મારા સમયની ગણતરી રાખતા હતા.
પગમાં લોહીના મોટા મોટા બ્લીસ્ટર થઈ ગયા
રસ્તામાં સાપ,વાંદરા, જંગલી પ્રાણીઓ ઘણા આવતા હતા. ઊંચાઈ પર ચઢતી વખતે થોડુ અઘરું લાગતું હતું. પરંતુ મગજમાં પહેલેથી નક્કી કરી રાખ્યું હતું કે કોઈપણ મુશ્કેલી આવે આ રેસ પૂર્ણ કરવાની જ છે. મારા પગમાં લોહીના મોટા મોટા બ્લીસ્ટર થઈ ગયા હતા. તેમજ આખી રેસમાં સતત આટલા કલાક શુઝ પહેરી રાખવાના હોય છે તેથી પગના નખ પણ તૂટી ગયા હતા. આ દરેક માટે હું પહેલેથી પ્રિપેર જ હતી. રનિંગ દરમિયાન સોલ્ટ અને સુગરનો રેશિયો જાળવવો પડે છે. તેથી હું સોલ્ટ ટેબ્લેટ અને સુગર ટેબ્લેટ સતત લેતી હતી. તેમજ ખજૂર, બદામ, ભાત, એક એક સિપ થમ્સઅપ, પ્રોટીન બાર સતત લેતી હતી.