સુરત મહાનગર પાલિકા કમિશનરે અમરોલીની એક સ્કૂલની આકસ્મિક મુલાકાત લીધી ત્યારે સમિતિના શિક્ષણના નબળા સ્તરનો અનુભવ થઈ ગયો હતો.
ધોરણ 2ના વિદ્યાર્થીઓને સામાન્ય સરવાળા બાદબાકીના દાખલા પૂછ્યા હતા. એક પણ વિદ્યાર્થી સાચો જવાબ ન આપી શકતા પાલિકા કમિશનર અકળાયા હતા. કમિશનરે શિક્ષકોનો ઉધડો લઇ તમે શું ભણાવો છો ? તેવો પ્રશ્ન કર્યો હતો.
સુરત મહાનગર પાલિકા કમિશનર બંછાનિધી પાની આજે કતારગામ ઝોનના વોર્ડની મુલાકાતે ગયા હતા. આ મુલાકાત દરમિયાન અમરોલી છાપરાભાઠાની એક સ્કૂલમાં પણ ગયા હતા. જ્યાં તેઓએ ધોરણ બેના વિદ્યાર્થીઓને કેટલાક સામાન્ય પ્રશ્નો પૂછ્યા હતા પરંતુ એક પણ વિદ્યાર્થી સાચો જવાબ આપી શક્યા ન હતા.
કમિશનરે વિદ્યાર્થીને પૂછ્યું હતું, આઠ આઈસ્ક્રીમમાંથી ત્રણ આઈસ્ક્રીમ ખવાઈ જાય તો કેટલી બચે ? તે પ્રશ્નનો કોઈને જવાબ આવડ્યો નહતો. જેના કારણે કમિશનર અકળાઈ ગયા હતા અને તેઓએ શિક્ષકને પૂછ્યું તમે શું ભણાવો છો?
શિક્ષણ સમિતિની શાળામાં શિક્ષણના સ્તરની ચકાસણી કરવાનું કામ શાસનાધિકારી અને શાસકોનું છે પરંતુ તેઓ આ કામગીરી કરવામાં નિષ્ફળ નીવડ્યા નથી.શિક્ષણ સમિતિની શાળામાં શિક્ષણનું સ્તર સુધારવા માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે પરંતુ યોગ્ય આયોજન અને શિક્ષકોને અન્ય કામગીરી કરાવાતી હોવાથી શિક્ષણનું સ્તર સુધરતું નથી.
શિક્ષણ સમિતિને કરોડો રૂપિયાનું બજેટ ફાળવનાર મહાનગરપાલિકાના કમિશનર આજે એક શાળાની મુલાકાતે ગયા હતા ત્યાં શિક્ષણના સ્તરનો અનુભવ થઈ ગયો હતો. પોતાના જાત અનુભવ પછી બંછાનિધી પાની શિક્ષણ સમિતિની શાળામાં શિક્ષણનું સ્તર સુધારવા કેવા પગલાં ભરે છે એ આગામી દિવસોમાં ખબર પડશે.