શહેરના સગરામપુરા વિસ્તારમાં ચામુંડા રેસ્ટોરન્ટની બાજુમાં આવેલા શ્યામ ચેમ્બર્સમાં ત્રીજા માળે એલઆઇસી એજન્ટ નરેશ બાબુભાઇ કાકડીયાની ઓફિસમાં તસ્કરો ત્રાટકયા હતા. ગત રોજ ઓફિસ આસીસટન્ટ આકાંક્ષા ટુંડીવાલા ઓફિસને બંધ કરીને ગયા બાદ આજે સવારે રાબેતા મુજબ ઓફિસ ખોલી હતી.
તે દરમ્યાન કલેકશન બોય મીતેશ દિલીપ ઠાકોર (રહે. ઓમ સાંઇ શ્રી જલારામ નગર, ઉધના) પાછળના ભાગે આવેલી એજન્ટ નરેશભાઇની ઓફિસમાં ગયો હતો ત્યારે સરસામાન વેરવિખેર હતો અને સીસીટીવી કેમેરાની તોડફોડ અને ડી.વી.આર નજરે ન્હોતા પડતા તુરંત જ એજન્ટને જાણ કરી હતી. જેથી નરેશભાઇ તુરંત જ દોડી આવ્યા હતા અને ટેબલના ખાનામાં મુકેલા રોકડા રૂા. 50 હજાર પણ ગુમ હતા.
જેની જાણ થતા અઠવા પોલીસ દોડી આવી હતી અને તપાસ કરતા ઓફિસના પાછળના ભાગે બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેશી રોકડા રૂા. 50 હજાર ઉપરાંત સીસીટીવી કેમેરાની તોડફોડ અને ડીવીઆરને નુકશાન કર્યાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.