વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે દક્ષિણ ગુજરાતની સુગર ફેક્ટરીઓ અને સહકારી મંડળીઓને કોંગ્રેસ સરકાર દ્વારા આપવામાં આવેલી આવકવેરાની નોટીસનો સખત શબ્દોમાં ટીકા કરી ખેડુતોને કોંગ્રેસ લૂંટવા બેઠી હોવાનું કહ્યું હતું. હવે તેમની જ સરકારમાં સુરતની સહકારી મંડળીઓ અને સુગર ફેક્ટરીઓને 100 કરોડનો આવકવેરો ભરવા માટે નોટીસ ફટકારવામાં આવતા ભારે હોબાળો મચી ગયો છે. સમગ્ર દક્ષિણ ગુજરાતની સહકારી મંડળીઓ અને સુગર ફેક્ટરીઓને નોટીસ આપવામાં આવી છે.
આ વખતે દુધ મંડળીને પણ નોટીસ ફટકારવામાં આવતા ખેડુતોમાં ઉગ્ર રોષ સાથે વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. ખેડુતોએ આવકવેરા વિભાગ દ્વારા મળેલી નોટીસની હોળી કરી હતી અને આવનારા સમયમાં આવકવેરા વિભાગની સામે ઉગ્ર આંદોલનના સંકેત પણ આપ્યા છે.
વિગત મુજબ સિદ્વ સોમેશ્વર દૂધ મંડળી-કૂદિયાણાને આવકવેરા વિભાગે નોટીસ ફટકારતા મામલો વધુ ગરમાયો છે. ખેડુત આગેવાન જયેશ પટેલે જણાવ્યું કે દૂધ મંડળીઓ પોતાની બચત બેન્કોમાં ડિપોઝીટ કરે છે અથવા એફડી બનાવી સાચવે છે. હવે આવકવેરા વિભાગે આ બચત પર આઈટીની વસૂલાત કરવા માટે નોટીસ આપી છે. સુગર ફેક્ટરીઓને ટેકાના ભાવમાં વધારો કરવામાં આવતા આવકવેરા વિભાગે તેમને પણ સાણસામાં લઈને નોટીસ આપી અંદાજે કુલ 100 કરોડ રૂપિયા ભરવાની નોટીસ આપી છે.
ખેડુતોએ વચન વાયદા નહી પણ આવકવેરો નાબૂદ કરવાના નારા સાથે નોટીસની હોળી કરી હતી. આવનાર સમયમાં આક્રમક આંદોલન કરવાની તૈયારી કરવાની દિશામાં ખેડુતો આગળ વધી રહ્યા છે. જયેશ પટેલે કહ્યું કે આવનાર લોકસભાની ચૂંટણીમાં જો સરકાર ખેડુતોને થઈ રહેલી આવકવેરા વિભાગની હેરાનગતિ અને આપેલી નોટીસો પાછી લેવાનો નિર્ણય નહીં કરે તો આંદોલન કરવાની વિચારણા કરવામાં આવી રહી છે.