સચીન જીઆઇડીસીના એબીસી સિન્થેટીકસ પ્રા. લિમીટેડ નામના કારખાનામાં ત્રાટકી એકટીવા અને પરચુરણ સામાન ચોરી કરનાર ચોર સીસીટીવીમાં કેદ થઇ જતા પોલીસે ફુટેજ મેળવી તપાસ હાથ ધરી છે. સચીન જીઆઇડીસીના રોડ નંબર 62ના ખાતા નંબર 6226માં આવેલા એબીસી સિન્થેટીકસ પ્રા. લિમીટેડ નામના કારખાનામાં શનિવારે તસ્કરો ત્રાટકયા હતા.
મુંબઇ રહેતા કારખાના માલિક અશ્વીન મોદી ગત રોજ સુરત આવવાના હોવાથી મેનેજર વિશાલ સુરેશ બુડગુજર (રહે. ગાંધીકુટીર સોસાયટી, ચીકુવાડી, ઉધના) કારખાનામાં ઇકો કાર લેવા ગયા ત્યારે કારખાનાનું મેઇન શટર થોડું ખુલ્લું હોવાથી ચોંકી ગયા હતા અને તુરંત જ અંદર જઇને જોતા કારખાનાની ઓફિસના ટેબલના ખાના ખુલ્લા હતા. પરંતુ તેમાં એક પણ કિંમતી વસ્તુ નહિ હોવાથી તસ્કરોને કંઇ હાથ લાગ્યું ન્હોતું.
જેથી તસ્કરો કારખાનાના કામકાજ માટે ઉપયોગમાં લેવાતું એકટીવા મોપેડ નંબર જીજે-5 એસવાય-3586 ચોરી ગયા હતા. મેનેજરે કારખાનાના સીસીટીવી ચેક કરતા તેની સાથે પણ ચેડા કરવામાં આવ્યા હતા. જો કે સીસીટીવી કેમેરાનું કનેકશન કરાવ્યા બાદ ચેક કરતા તેમાં એક ચોર કારખાનામાં પ્રવેશતા નજરે પડયો હતો. આ અંગે મેનેજરે સચીન જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી છે.