શહેરમાં નિર્દયી શિક્ષકનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે ,જ્યાં મનપા સંચાલીત અને ટ્રસ્ટ દ્વારા દત્તક લેવાયેલી મ શાળાના ધોરણ આઠમા અભ્યાસ કરતા વિધાર્થીને શિક્ષકે ઢોર માર મારતા સારવાર અર્થે સુરતની સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. શિક્ષકના મારનો ભોગ બનેલો વિધાર્થી શાળાએથી ઘરે પરત ફર્યો હતો. ઘરે આવ્યા બાદ વિધાર્થીએ ઊલટીઓ શરૂ કરી દેતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.આ અંગેની જાણ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનને થતા તેઓ પણ તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યા હતા અને તપાસના આદેશ આપ્યા હતા.
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ નગર પ્રાથમિક શાળા ક્રમાંક 113 રામકૃષ્ણ પરમહંસ ટ્રસ્ટ દ્વાફ દત્તક લેવામાં આવી છે. જેથી આ શાળાનું હાલ સંચાલન ટ્રસ્ટ કરી રહી છે. દરમ્યાન શાળાનો એક શિક્ષક એટલી હદે નિર્દયી બન્યો અને વિધાર્થીને ઢોર માર મારી હોસ્પિટલ ભેગો કરી દીધો હતો. ઘટના પર પ્રકાશ નાખીએ તો કતારગામ વિસ્તારમાં રહેતા રમેશભાઈ વાઘનો 14 વર્ષીય પુત્ર મયુર કતારગામની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ક્રમાંક 113 માં ધોરણ આઠમા અભ્યાસ કરે છે. દરમ્યાન આજ રોજ મયુર અને શાળાના શિક્ષક ઉમેશ વચ્ચે કોઈક કારણોસર રકઝક થઈ હતી.વાલીના જણાવ્યાનુસાર તેમના પુત્ર એ હોમવર્ક ન કર્યું હોવાના કારણે તેણે ઢોર માર મારવામાં આવ્યો છે.જેથી પુત્ર ને સાથીમિત્રો ઘરે લઈ આવ્યા હતા. ઘરે આવ્યા બાદ પુત્રએ ઊલટીઓ કરવાની શરૂ કરી હતી. જેથી માતાએ પુત્રનો શર્ટ ખોલતા ઇજાના ગંભીર નિશાન મળી આવ્યા હતા. વિધાર્થીને માતા કાંઇ પૂછે તે પહેલા તો તેને સારવાર અર્થે સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલ સારવાર પણ ચાલુ છે . પુત્રને માર મારવાના મામલે જિલ્લા શિક્ષણ સમિતિ પાસે કાર્યવાહીની માંગ કરવામા આવી છે. સમીતીના ચેરમેને પણ આ મામલે ઘડતું કરી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.
ઘટનાની જાણ થતા હોસ્પિટલ દોડી આવેલ સમિતિ ના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું હતું કે,બાળકને માર મારવાનો ફરિયાદ મળી છે. પ્રાથમિક ધોરણે વિધાર્થીને સારવાર આપવી જરૂરી છે. આ મામલે સમિતિ દ્વારા તપાસના આદેશ આપી દેવાયા છે. જવાબદાર શિક્ષક સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે.
સુરતમાં શિક્ષકના મારનો ભોગ બનેલા વિધાર્થીનો આ બીજો કિસ્સો સામે આવ્યો છે.જે પરથી નિર્દયી શિક્ષકનો વિધાર્થીઓ પ્રત્યેનો વ્યવહાર પણ સામે આવી ચુક્યો છે. ગત રોજ સુરતના લસકાના નજીક આવેલ સ્વામિનારાયણ મિશન શાળાના શિક્ષક દ્વારા વિધાર્થીને ફટકારવામાં આવ્યો હતો. જે ઘટના હજી સમી નથી ત્યાં બીજી ઘટના પ્રકાશમાં આવી છે. નિર્દયી શિક્ષક સામે કડક પગલા ભરવામાં આવે તેવી માંગ વાલીઓ કરી રહયા છે.